________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
વિવેચન - સ્મરણ-જિજ્ઞાસા-સંશય આદિ જે જે જ્ઞાનાદિ ગુણો આ દેહમાં અનુભવાય છે. તે ગુણો ખરેખર દેહના નથી. કારણ કે (ગુણો અમૂર્ત છે અને) દેહ મૂર્તિમાનૢ છે અર્થાત્ રૂપી છે. વળી સ્મરણાદિ-જ્ઞાનાદિગુણો ચક્ષુર્ગોચર નથી અને દેહ એ ચક્ષુર્ગોચર છે. એટલે જેમ ઘટ-પટાદિ જડ પદાર્થો મૂર્તિમાન્ હોવાથી અને ચાક્ષુષ હોવાથી જ્ઞાનાદિ ગુણોના ગુણી બની શકતા નથી. તેમ આ દેહ પણ મૂર્તિમાન હોવાથી અને ચાક્ષુષ હોવાથી જ્ઞાનાદિગુણોનો ગુણી નથી.
३०
તથા જ્ઞાનાદિ એ ગુણો છે. તેથી તેનો ગુણી કોઈક સ્વતંત્ર પદાર્થ હોવો જોઈએ. કારણ કે આધારભૂત દ્રવ્ય વિના એકલા ગુણો ક્યાંય હોતા નથી. આ રીતે જ્ઞાનાદિગુણો અમૂર્ત અને અચાક્ષુષ છે. તેથી તેને અનુરૂપ અમૂર્ત અને અચાક્ષુષ એવું કોઈક દ્રવ્ય તે ગુણોના આધારભૂત દેહથી અતિરિક્ત હોવું જોઈએ, તેથી આવું જે દ્રવ્ય છે તે જ જીવ છે. તેમજ ગુણોને અનુરૂપ ગુણી હોય છે. ગુણો અમૂર્ત છે ચક્ષુથી અગોચર છે. તેથી ગુણી પણ તેવો જ અમૂર્ત અને અચાક્ષુષ જ હોવો જોઈએ અને તે આત્મા જ છે તથા દેહથી ભિન્ન છે. પણ તે ગુણોનો આધાર દેહ નથી.
પ્રશ્ન - “જ્ઞાનાદિ ગુણો દેહના નથી” આવું જે ઉપર સમજાવવામાં આવ્યું છે તે પ્રત્યક્ષબાધિત છે. અર્થાત્ સાક્ષાત્ વિરુદ્ધ છે. અત્યન્ત ખોટું છે. કારણ કે જ્ઞાનાદિ ગુણો દેહમાં જ પ્રગટ થતા સાક્ષાત્ દેખાય છે. ઘટ-પટને સાક્ષાત્ દેખીને ચક્ષુરિન્દ્રિય પોતે જ જ્ઞાન કરે છે. શબ્દ સાંભળીને શ્રોત્રેન્દ્રિય જ જ્ઞાન કરે છે. રસ ચાખીને રસનેન્દ્રિય જ સ્વાદનો અનુભવ કરે છે. આ રીતે ઈન્દ્રિયો જ જ્ઞાન કરે છે. ઈન્દ્રિયો એ જ શરીર છે. તેનાથી અતિરિક્ત કોઈ દ્રવ્ય જ નથી. માટે જ્ઞાનાદિ ગુણો દેહમાં જ અનુભવાતા હોવાથી દેહના જ છે. તેથી “દેહના નથી” આમ કહેવું તે પ્રત્યક્ષબાધિત છે.
ઉત્તર - તમારો પ્રશ્ન અયુક્ત છે. તમારો આ પ્રત્યક્ષ અનુભવ ખોટો છે. અનુમાન વડે બાધિત છે. તે અનુમાન આ પ્રમાણે છે - જ્ઞાનાદિ ગુણોનો કર્તા દેહથી અતિરિક્ત
આત્મા છે. પણ દેહ કે દેહગત ઈન્દ્રિયો જ્ઞાનની કર્તા નથી. કારણ કે ઈન્દ્રિયો દ્વારા જાણેલા અર્થનું સ્મરણ ઈન્દ્રિય અટક્યા પછી થાય છે. માટે ઈન્દ્રિય પોતે કર્તા નથી પણ અતિરિક્ત દ્રવ્ય જ્ઞાનાદિનો કર્તા છે. જેમ જુદી જુદી પાંચ-છ બારીઓમાંથી નગરચર્યા જોનારો દેવદત્ત બારીઓ બંધ થાય તો પણ તે બારીઓમાંથી જોયેલી નગરચર્યાનું સ્મરણ કરે છે અને તેને જોયેલી તમામ નગરચર્યાનું સ્મરણ થાય પણ છે. હવે જો બારીઓ જ જોનારી હોત તો બારીઓ તો બંધ થઈ ગઈ છે. સ્મરણ કોને થાય ? બારીઓ જડ હોવાથી તેને તો સ્મરણ થાય નહીં. તેથી બારીઓથી દેવદત્ત જેમ ભિન્ન છે. તેવી રીતે શરીરમાં