________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૭૯
આ જ્ઞાન થવામાં જો ભૂતકાળમાં કરેલા સંકેતના સંબંધનું સ્મરણ કારણ ન માનીએ અને કેવલ એકલી ચક્ષુ આદિ ઈન્દ્રિય દ્વારા જ જ્ઞાન થાય છે. આમ માનીએ તો નાલીકેર દ્વિીપવાસી મનુષ્ય અહીં આવ્યો હોય, એણે ક્યારેય પણ પૂર્વકાલમાં ઘટ જોયો ન હોય તથા આવા પદાર્થને ઘટ કહેવાય છે - આવું સાંભળ્યું પણ ન હોય તેવા અનુભવ જ્ઞાન વિનાના પુરુષને પણ અવિશેષે “આ ઘટ છે” આવું જ્ઞાન થવું જોઈએ, પણ થતું નથી. તેથી અવશ્ય પૂર્વકાલીન સંકેતના સંબંધપૂર્વક જ ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે.
નાનો ૩/૪ વર્ષનો બાળક કે જેણે ક્યારેય સર્પ, વિંછી આદિ પ્રાણીઓ જોયાં નથી, જાણ્યા નથી. આવી વ્યક્તિને સર્પ કહેવાય, આવી વ્યક્તિને વિંછી કહેવાય ઈત્યાદિ સંકેતનો સંબંધ વડીલો પાસેથી પણ જાણ્યો નથી, તેવા નાના બાળકને ચક્ષુથી સર્પ-વિંછી દેખાવા છતાં પણ જ્ઞાન થતું નથી. તેથી આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પૂર્વે જોયેલા સંકેતના સંબંધપૂર્વક થાય છે. માટે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી.
ઉદાહરણ = જેમકે ઘૂમનિસ્ત્રજ્ઞાનવત્ ધૂમથી જે અગ્નિનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પરનિમિત્તક હોવાથી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે (અનુમાન છે). તેવી જ રીતે ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ સંકેતના સંબંધના સ્મરણપૂર્વક જ થાય છે. અન્યથા થતું નથી. માટે અવશ્ય પરોક્ષ જ છે.
પ્રશ્ન - ઘટ ઉપર ચક્ષુ (દષ્ટિ) પડતાંની સાથે જ “આ ઘટ છે” આવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. “મેં મારા વડીલો પાસેથી આવા ગોળાકારવાળા અને જલાધારભૂત પદાર્થને ઘટ કહેવાય” આવું સાંભળેલું છે. આમ સંકેતનું સ્મરણ કરીને “આ ઘટ છે” એવું જ્ઞાન થતું હોય, આવું તો ક્યાંય દેખાતું નથી. ચક્ષુ અને ઘટ મળતાં જ ચક્ષુરિન્દ્રિય પોતે જ “આ ઘટ છે” આમ જાણી જાય છે. માટે આવા જ્ઞાનમાં સંકેત-સંબંધનું સ્મરણ કારણ હોય આ વાત બરાબર બેસતી નથી.
ઉત્તર - નિરંતર જોવા-જાણવાની પ્રવૃત્તિથી અભ્યાસની પટુતા વગેરે થયેલાં છે. તેથી જલ્દી જલ્દી આ જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી ઈન્દ્રિયજન્યજ્ઞાનમાં સર્વસ્થાને આ સંકેતસંબંધનું સ્મરણ સાક્ષાત્ અનુભવમાં આવતું નથી. પરંતુ થાય છે ચોક્કસ. જો ન થતું હોત અને માત્ર ઈન્દ્રિયના સંબંધથી જ આ ઘટ છે આવું જ્ઞાન થતું હોત તો માલિકેરદ્વીપવાસી મનુષ્યને તથા ઘટના અનુભવ વિનાના નાના બાલક-બાલિકાને પણ ચક્ષુથી ઘટ-પટસર્પાદિ દેખતાં જ તે તે વિષયોનું જ્ઞાન થવું જોઈએ. પણ આવું જ્ઞાન થતું દેખાતું નથી. માટે “સંકેતસંબંધના સ્મરણનું કારણપણું તે જ્ઞાનમાં અવશ્ય છે” તેથી પરોક્ષ છે.