________________
૩૮૪
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ મંડિકબ્રાહ્મણના હૃદયમાં જે જે વિચારો છે અને જે જે દલીલો છે તે પ્રગટ કરીને કહેતા છતા જણાવે છે કે તમારા હૃદયમાં આવા વિચારો અને આવી દલીલો વર્તે છે. તેથી તમે આવા નિર્ણય ઉપર આવ્યા છો કે આ આત્માને ઉપર કહેલી યુક્તિઓ પ્રમાણે કર્મોનો બંધ અને કર્મોથી મુક્તિ ઘટતી નથી. તેથી આત્મા અને કર્મોનો સંબંધ માનવો તે યુક્તિયુક્ત નથી. છતાં “ટુ વૈ સારીરી પ્રિયપ્રિયથોરપતિતિ'' ઈત્યાદિ શ્રુતિવાક્યોમાં એટલે કે વેદપાઠોમાં આ જીવને કર્મનો બંધ અને કર્મોથી મુક્તિ પ્રતિપાદન કરેલી છે. તેથી તમને સંશય થયો છે.
યુક્તિઓથી જોઈએ તો બંધ-મોક્ષ સંભવતા નથી અને આગમપ્રમાણથી જોઈએ તો વેદપાઠોમાં બંધ-મોક્ષ કહેલા છે. તેથી તમારી શંકા વધારે મજબૂત બની છે. પરંતુ હે મંડિક! આ સંશય જે રીતે કરવા જેવો નથી, તે હું સમજાવું છું. તમે ધ્યાનપૂર્વક મારો ઉત્તર સાંભળો. ૧૮૧૨
હવે ૧૮૧૩ મી વગેરે ગાથાઓમાં આ શંકાનું સમાધાન કહેવાય છે ત્યાં “જીવ અને કર્મનો સંબંધ આદિવાળો કે આદિ વિનાનો” આવા બે મૂલપક્ષો પાડીને “આદિવાળો” આ પહેલા પક્ષના “જીવ પહેલો અને કર્મ પછી, કર્મ પહેલું અને જીવ પછી અને બન્ને યુગપ” આવા ત્રણ પેટાભેદો પાડીને ગાથા ૧૮૦૫ થી ૧૮૧૦ માં જે જીવ અને કર્મના સંબંધનું ખંડન કરવામાં આવ્યું છે. તે સઘળું પણ અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે જણાવે છે
संताणोऽणाईओ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य, मंडिय ! बीयंकुराणं व ॥१८१३॥ (सन्तानोऽनादिकः परस्परं हेतुहेतुमद्भावात् । देहस्य च कर्मणश्च, मण्डिक ! बीजाङ्करयोरिव)
ગાથાર્થ - સંસારી જીવનું શરીર અને કર્મના સંબંધની સંતાન (પરંપરા) પરસ્પર હેતુ-હેતુમભાવવાળી (કારણ-કાર્યવાળી) હોવાથી બીજ અને અંકુરાની જેમ અનાદિની છે. /૧૮૧૩ll
વિવેચન - પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય થવાથી આ જીવ ઔદારિક-વૈક્રિય આદિ શરીરની રચના કરે છે અને આ જીવ આ જ ઔદારિક-વૈક્રિય આદિ શરીર દ્વારા શુભાશુભ મન-વચન અને કાયાના યોગ વડે પુણ્ય-પાપરૂપ નવાં નવાં કર્મોનો બંધ કરે છે. કાળાન્તરે આ જ બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. ઉદયને આધીન થયેલો જીવ તેવાં