________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૩ ગાથાર્થ - જીવનો ઘાતક હોય એટલા માત્રથી તે હિંસક નથી અને જીવને ન હણે એટલા માત્રથી તે અહિંસક નથી. આમ નિશ્ચયનયથી જાણવું. આ લોક વિરલ જીવોવાળો હોય એટલે સાધુ અહિંસક નથી અને આ લોક જીવોથી ઘનીભૂત હોય એટલે સાધુ હિંસક નથી. પરંતુ મારવાના પરિણામવાળો હોય તો દુષ્ટ હૃદય હોવાથી ન મારતો જીવ પણ કસાઈની જેમ હિંસક જ કહેવાય છે. તથા જીવની હિંસા કરતો એવો જીવ પણ જો શુદ્ધ હૃદયવાળો હોય તો વૈદ્યની જેમ હિંસક કહેવાતો નથી. /૧૭૬૩-૬૪ll
| વિવેચન - બને ગાથાઓનો ભાવાર્થ ઘણો સહેલો છે. સંસારમાં ઉપરછલ્લી દૃષ્ટિથી (વ્યવહારનયથી) બીજા જીવોને મારતો (હણતો) પુરુષ હિંસક કહેવાય છે અને બીજા જીવોને ન મારતો ન હણતો) પુરુષ અહિંસક કહેવાય છે. કારણ કે વ્યવહારનય સ્થૂલ દૃષ્ટિવાળો છે અને જેમ દેખાય તેમ કહેવાવાળો છે. પરંતુ નિશ્ચયનય કંઈક સૂક્ષ્મ દૃષ્ટિવાળો છે. તે નય બાહ્યક્રિયા માત્રને ન પકડતાં તે ક્રિયા કરનારાના હૈયાની અંદરના ભાવ કેવા છે ? તેને પકડનારો છે.
આ રીતે નિશ્ચયનયથી વિચારતાં કોઈ જીવ કોઈનો વધ કરે પણ જો તેને વધ કરવાના દુષ્ટ પરિણામ ન હોય તો તે હિંસક કહેવાતો નથી અને કોઈ જીવ બીજા કોઈ જીવનો વધ ન કરતો હોય પરંતુ હિંસા કરવાના જ દુષ્ટ પરિણામવાળો હોય તો તે ન હણતો છતો અહિંસક નથી પણ પરિણામથી હિંસક છે. આ રીતે હણવાના પરિણામથી હિંસક કહેવાય છે અને ન હણવાના (બલ્લે રક્ષા કરવાના) પરિણામથી અહિંસક કહેવાય છે. તે માટે આ લોક જીવોથી ઘનીભૂત હોય કે વિરલીભૂત હોય તેનાથી હિંસકઅહિંસકપણે લાગુ પડતું નથી.
આ વાત એક ઉદાહરણ સાથે આ પ્રમાણે - કસાઈ-શિકારી-સિંહ-સર્પ વગેરે જીવો બીજા જીવોને ક્યારેક (આરામાદિના સમયે અથવા શિકાર હાથમાં ન આવ્યો હોય ત્યારે) હણતા નથી. તો પણ પ્રતિસમયે બીજા જીવોને મારવાના જ પરિણામમાં વર્તે છે. તેથી તેઓ બીજા જીવોને ન હણતા છતાં દુષ્ટ અધ્યવસાય હોવાથી સદા હિંસક જ કહેવાય છે અને વૈદ્યો દર્દીના દર્દને દૂર કરવા માટે દર્દીના અંગોને દબાવીને રસી દૂર કરતાં દર્દીને ચીસો પડી જાય તેવી પીડા કરે છે તો પણ શુદ્ધ આશય હોવાથી રોગ દૂર કરીને ઉપકાર કરવાનો જ ભાવ હોવાથી પીડા કરતા હોવા છતાં અહિંસક કહેવાય છે. સર્જરી કરતી વખતે સર્જન ડોક્ટરો અંગોનો છેદ કરતા છતા રોગને દૂર કરવાની ભાવનાવાળા હોવાથી શુદ્ધ હૃદયના કારણે અહિંસક કહેવાય છે. આ રીતે આ વાતનો સાર એવો છે કે -