________________
૨૪૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પછી તેના દષ્ટાન્તથી બીજા પદાર્થોની સિદ્ધિ કેમ કરાશે ? આવો પ્રશ્ન કદાચ તમે કરો તો તે ઉચિત નથી. કારણ કે જો સર્વથા સર્વ વસ્તુઓનો અભાવ જ હોય તો પછી તમે પણ નથી, તમને સંશય પણ નથી. આમ થવાથી સમજાવવાનું પણ કંઈ રહેતું જ નથી. માટે આવી દલીલ બરાબર નથી. /૧૭૦૧/
सव्वाभावे वि मई, संदेहो सिमिणए व्व, नो तं च । जं सरणाइनिमित्तो, सिमिणो न उ सव्वहाभावो ॥१७०२॥ (सर्वाऽभावेऽपि मतिः सन्देहः स्वप्नक इव, नो तच्च । यत् स्मरणादिनिमित्तः स्वप्नो न तु सर्वथाऽभावः ॥)
ગાથાર્થ - કદાચ તમે આવો પ્રશ્ન કરો કે સર્વથા અભાવ હોવા છતાં પણ સ્વપ્નની જેમ સંદેહ થઈ શકે છે તો તે વાત ઉચિત નથી. કારણ કે સ્વપ્ન પણ સ્મરણ આદિના નિમિત્તે જ આવે છે. પરંતુ સર્વથા અભાવ હોતે છતે આ સ્વપ્ન પણ હોઈ શકતું નથી. //૧૭૦૨ /.
વિવેચન - હે સૌમ્ય વ્યક્તપંડિત ! અહીં કદાચ તમારી આવી બુદ્ધિ થાય એટલે કે અહીં કદાચ તમે આવો પ્રશ્ન કરો કે -
સર્વે વસ્તુઓનો સર્વથા અભાવ માનીએ તો પણ સ્વપ્નની જેમ સંદેહ થઈ શકે છે. તમે જે ઉપરની ગાથાઓમાં સમજાવ્યું કે જે વસ્તુ હોય તેનો જ સંશય થાય છે. જે વસ્તુ ન હોય તેનો સંદેહ થતો નથી. જેનો સંદેહ થાય છે તે વસ્તુ હોય જ છે ઈત્યાદિ જે કહ્યું તે બરાબર નથી. કારણ કે જે કોઈ સ્વપ્ન આવે છે તે વસ્તુ ત્યાં હોતી જ નથી. સર્વથા તેનો અભાવ જ હોય છે તો પણ તે વસ્તુનું સ્વપ્ન આવે છે અને સ્વપ્ન એ પણ એક જ્ઞાનપર્યાય જ છે. તો સ્વપ્નની જેમ સંદેહ પણ સર્વ વસ્તુઓનો અભાવ માનીએ તો પણ થઈ શકે છે. જેમ કોઈ પામર મનુષ્ય સ્વપ્નમાં આવું શંકાશીલ જ્ઞાન કરે છે કે
મારા ઘરના આંગણામાં જે આ દેખાય છે તે શું હાથી છે કે મોટું વૃક્ષ છે ?” આવો સંશય સ્વપ્નમાં કરે છે. પણ ત્યાં તે ઘરના આંગણામાં હાથી પણ નથી અને મહાવૃક્ષ પણ નથી. એમ સર્વ વસ્તુનો અભાવ માનીએ તો પણ જેમ સ્વપ્ન જ્ઞાન થાય છે તેમ સંશય જ્ઞાન પણ સંભવી શકે છે.
આવા પ્રકારનો તમારો પ્રશ્ન બરાબર નથી. સ્વપ્નમાં જે સંદેહ થાય છે તે પણ પૂર્વે ચક્ષુથી સાક્ષાત્ જોયેલી અથવા અનુભવેલી વસ્તુના સ્મરણના નિમિત્તે જ થાય છે.