________________
(૨૪)
પ્રભુ મહાવીરદેવે આ સંશયો ખૂલ્લા કર્યા ન હોત તો જગત પણ જાણત નહિ કે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતા આ મહાપંડિતો આવા શંકાશીલ હતા.
આપણા મહાભાગ્યે આ પંડિતજીઓને પ્રભુ મળ્યા, સર્વજ્ઞપ્રભુએ તેમના સંશયો કે સંદેહો સ્પષ્ટ કર્યા. તેમાંથી અનેક રીતે નવા-નવા પ્રશ્નો ઉઠાવ્યા અને એ સઘળા પ્રશ્નોનો કેવળજ્ઞાન દ્વારા પ્રભુએ જવાબ આપ્યો.
પ્રશ્ન પૂછનાર પ્રતિભાશાલી મહાવિદ્વાનો હતા, તો જવાબો આપનાર સાક્ષાત્ કેવલજ્ઞાની હતા. અનેક પ્રમાણો અને અનેક યુક્તિ-અપેક્ષાઓથી સંશયનાં સમાધાનો થયાં. આગમપાક્ષિક આ. શ્રી જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણજીએ આ પ્રશ્નોત્તરો ગ્રન્થવિભાગરૂપે ગાથાબદ્ધ કરી
સમજાવ્યા.
એ જ આ ગણધરવાદ. આ ગ્રન્થનો અનુવાદ શ્રદ્ધાવાળા અને પ્રતિભાશાલી પુણ્યવંતા પંડિતરત્ન શ્રી ધીરજલાલભાઈએ કરેલ છે. પંડિતજી ન્યાય-વ્યાકરણ-શાસ્ત્રગ્રન્થોના સુંદર અભ્યાસી છે. ભવ-ભીરુ છે. જાણતાં-અજાણતાં પણ ભૂલ કે ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય તેની કાળજી રાખનારા છે અને તેથી જ પોતાના અનુવાદિત-પ્રકાશિત ગ્રન્થો પૂ. આચાર્ય ભગવંતાદિ પ્રાજ્ઞ-પુરુષો પાસે પરિમાર્જન કરાવી પછી જ મુદ્રિત કરાવે છે. આ હકીકત તેમના પ્રકાશિત ગ્રન્થો ઉપરથી જાણી શકાય છે.
જો કે આવા ગ્રન્થોનું વાંચન તથા કલ્પસૂત્રાદિનું શ્રવણ પૂ. ગુરુભગવંતો દ્વારા જ કરવાનું હોય છે. તેમ છતાં જ્ઞાનરુચિ અભ્યાસુ જીવો સ્વયં સરળ ભાષામાં સમજી શકે માટે આ અનુવાદ સરળ અને સુંદર ગુર્જર ગિરામાં કર્યો છે. એથી શ્રદ્ધાવંત પુણ્યશાળી આત્માઓ આને આવકારશે તે શંકા વિનાની વાત છે.
પંડિતજીએ આવા બીજા પણ વિદ્વદ્ભોગ્ય ગ્રન્થો જેવા કે દ્રવ્યગુણ પર્યાયનો રાસ, સન્મતિ તર્ક, યોગદૃષ્ટિ સમુચ્ચય અને રત્નાકરાવતારિકા વગેરે ગ્રન્થો અનુવાદ સહ પ્રકાશિત કરેલ છે. જેને શ્રી સંઘે આવકારેલ છે.
આવા ગ્રન્થોના ઊંડા તત્ત્વજ્ઞાન દ્વારા ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્'' તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા ઉપજાવી ભવ્ય-આત્માઓ સમ્યગ્દર્શન નિર્મલ કરી જ્ઞાન અને સદાચરણ દ્વારા મુક્તિપદને પ્રાપ્ત કરે એ જ મંગલ પ્રાર્થના.
‘અભિષેક' વાલ્મીક કાયસ્થની વાડી સામે, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત.
તા. ૧-૩-૨૦૦૯
લિ. ભવદીય
રતિલાલ ચીમનલાલના પ્રણામ...