________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૫ વિવેચન - મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ છે. તે પાંચના અનુક્રમે ૨૮-૧૪-૬-૨-૧ એમ ૫૧ ઉત્તરભેદ છે. તેમાં પણ મતિજ્ઞાનના બહુ-અબહુ ઈત્યાદિ સ્વરૂપે ઘણા પ્રતિભેદો પણ છે. પરંતુ તે ભેદઉત્તરભેદ કે પ્રતિભેદોની વિવેક્ષા ન કરીએ અને “જ્ઞાન” માત્રની વિવક્ષા કરીએ તો જ્ઞાનની ધારા, જ્ઞાનની પરંપરા પ્રત્યેક જીવમાં અનાદિકાળથી છે અને અનંતકાળ રહેનારી છે. જ્ઞાન વિનાનો જીવ ક્યારેય પણ ન હતો અને જીવ વિનાનું જ્ઞાન ક્યારેય પણ ન હતું તથા આવું બનશે પણ નહીં. તેથી જીવની સાથે જ્ઞાનગુણ અનાદિ-અનંત કાળથી છે.
પ્રથમનાં ચાર જ્ઞાનો તેના ઉપરનાં આવરણોના ક્ષયોપશમને અનુસાર હિનઅધિકપણે પ્રગટ થાય છે. આ ચાર જ્ઞાનો પૈકીનાં જે જ્ઞાનો જેટલી માત્રામાં જે ભવમાં પ્રગટ થયાં હોય છે તેમાં પ્રતિસમયે ક્ષયોપશમ વધે છે અથવા ઘટે છે. તેથી પર્યાયને આશ્રયી આ જ્ઞાનો ઉત્પાદ-વ્યયવાળાં છે અને જ્ઞાનમાત્ર સ્વરૂપે અનાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. પાંચમું કેવલજ્ઞાન સર્વથા આવરણનો પૂર્ણપણે ક્ષય થવાથી જ થાય છે. હીનાધિકપણે પ્રગટ થતું નથી. તેથી તે ક્ષયોપશમ ભાવનું નથી પરંતુ ક્ષાયિકભાવનું છે. જ્યારે પ્રગટ થાય છે ત્યારે આદિ વાળું એટલે કે સાદિ છે પરંતુ પ્રગટ થયા પછી અનંતકાળ રહેનારું છે. તેથી અનંત છે તથા અનંતાનંત વિષયોને જાણનારું છે. એટલે પણ અનંત છે.
કેવલજ્ઞાન ઉપરનાં સર્વે પણ આવરણો જાય છે ત્યારે જ પ્રગટ થાય છે અને પરિપૂર્ણપણે પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન સકલ છે, શુદ્ધ છે અને ભેદ-પ્રભેદ વિનાનું છે. તેથી તેને “અવિકલ્પક” કહેવાય છે. વિકલ્પ એટલે ભેદો, નથી વિકલ્પો (હીનાધિકપણે ભેદો) જેમાં તે અવિકલ્પક છે.
પ્રશ્ન - મત્યાદિ ચાર જ્ઞાનો તો ક્ષાયોપથમિક ભાવનાં છે, હાનિ-વૃદ્ધિવાળાં છે. તેથી તેમાં તો પ્રતિસમયે પર્યાયને આશ્રયી ઉત્પાદ અને વ્યય સંભવે અને દ્રવ્યાશ્રયી ધૃવત્વ પણ સંભવે એટલે ત્રિપદી ઘટી શકે છે. પરંતુ કેવલજ્ઞાન તો ક્ષાયિકભાવનું છે. જેટલું છે તેટલું સઘળું ય પ્રથમસમયથી જ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ક્યારેય પણ વધતું નથી કે ઘટતું નથી. હાનિ-વૃદ્ધિ પામતું નથી. તેમાં પર્યાય આશ્રયી ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટે? ત્રિપદી કેમ બેસે ?
ઉત્તર - કેવલજ્ઞાન ક્ષયોપશમભાવનું નથી. માટે તેમાં હાનિ-વૃદ્ધિ થવા રૂપે ઉત્પાદવ્યય નથી. પરંતુ આ સંસારમાં રહેલાં જે છ જાતિનાં શેયદ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને જાણવાજોવાનું કાર્ય કેવલજ્ઞાન અને કેવલદર્શન કરે છે. જીવ-પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્ય અનંત છે તથા ધર્મ-અધર્મ અને આકાશ આ એક એક દ્રવ્ય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનથી