________________
૧૮૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
શબ્દાદિ ભિન્ન ભિન્ન એક-એક વિષયને જાણનારા પાંચ પુરુષો કરતાં તે પાંચે વિષયોને જાણનારો છઠ્ઠો પુરુષ ભિન્ન છે. તેવી રીતે ઈચ્છાનુસાર શબ્દાદિ ભિન્ન-ભિન્ન જાતિના વિજ્ઞાનને જાણનારી પાંચ ઈન્દ્રિયો કરતાં સર્વ વિષયના વિજ્ઞાનવાળો પુરુષ જુદો છે. તેથી પાંચ ઈન્દ્રિયોથી આ આત્મા ભિન્ન જ છે.
પ્રશ્ન - તમે ઉપર જે સમજાવ્યું તે પ્રમાણે તો શબ્દાદિ પાંચ વિષયોમાંથી એક એક વિષયને જાણનારા જુદા જુદા પાંચ પુરુષોની જેમ પાંચે ઈન્દ્રિયો પણ એક-એક વિષયને જાણનારી બનશે. કારણ કે તમે આત્માને પાંચે વિષયનો જાણકાર કહ્યો અને ઈન્દ્રિયોને એક-એક વિષયને જાણનારા પુરુષના જેવી કહી - તેથી ઈન્દ્રિયો પણ વિષયોની જાણનારી = શાતા બનશે અને જૈન શાસ્ત્રોમાં તો ઈન્દ્રિયો તો ભૂતોની બનેલી હોવાથી જ્ઞાતા નથી. તેથી જૈનદર્શનને માન્ય સિદ્ધાન્ત કરતાં વિપરીત સાધ્યની સિદ્ધિ થશે. તેથી આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે.
ઉત્તર - ‘“ફચ્છાનુવિધાવિ'' પોતાની ઈચ્છાને અનુસાર એવું વિશેષણ ગાથામાં જે આપ્યું છે. તેથી આ દોષ આવશે નહીં. કારણ કે કેવલ એકલી ઈન્દ્રિયો તો જડ છે. તેથી તેઓમાં જાણવાની ઈચ્છાનો અસંભવ છે. માટે ઈચ્છાનુવિધાયિ એવું જાણપણું તેઓમાં
નથી. તે ઈન્દ્રિયો તો આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહકારિકારણ માત્ર હોવાથી આત્મામાં બોધ ઉત્પન્ન કરવામાં ઈન્દ્રિયોની કારણતા જ માત્ર છે, કર્તાપણું નથી. અથવા કારણમાં કર્તાપણાનો ઉપચાર કરવાથી ઈન્દ્રિયો પણ એક-એક વિષયની ઉપલબ્ધિ કરનારી કહેવાય છે. આમ માનવામાં કોઈ વિરોધ નથી. તેથી અદોષ છે.
અથવા તત્ત્વ સમજાવવાના ઉપાયમાત્ર સ્વરૂપે આ ઉદાહરણ આપેલું છે. જે અતીન્દ્રિય પદાર્થો હોય છે તેને સમજવામાં અને સમજાવવામાં એકાન્તે યુક્તિ જ આપવી જોઈએ એવો નિયમ નથી. કારણ કે અતીન્દ્રિય પદાર્થો એકલી યુક્તિથી ગમ્ય હોતા નથી પણ આપ્તવાણીથી અને યુક્તિ એમ બન્નેથી ગમ્ય હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
आगमश्चोपपत्तिश्च, सम्पूर्णं दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥
અતીન્દ્રિય પદાર્થોના સાચા સ્વરૂપને જાણવા માટે ક્યાંક આપ્તપુરુષોની વાણી અને ક્યાંક યુક્તિ એ જ દૃષ્ટિનું પરિપૂર્ણ કારણ છે. ૧૬૬૦ના
પાંચ ભૂતોથી આત્મા ભિન્ન છે. આ વાત સમજાવવા માટે બીજું પણ અનુમાન જણાવે છે