________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૯૭
અને આ હાર કેમ બની ? તેના સંબંધમાં મનમાં ને મનમાં નીચે જણાવાય છે તેવા વિચારો અગ્નિભૂતિના મનમાં ચાલી રહ્યા છે. ૧૬૦૬॥
छलिओ छलाइणा, सो मण्णे माइंदजालिओ वावि । को जाणइ कह वत्तं एत्ताहे वट्टमाणी से ॥१६०७॥
( छलितश्छलादिना, स मन्ये मायेन्द्रजालिको वाऽपि । को जानाति कथं वृत्तमेतस्मिन् वर्तमाना तस्य ॥ )
ગાથાર્થ - તે મારો ભાઈ છલાદિ વડે છેતરાયો હશે ? અથવા આ કોઈક મોટો ઈન્દ્રજાલિક પુરુષ હશે ? તે કાલે તે બન્નેની શું વાર્તા થઈ ? તે તો કોણ જાણે ? પરંતુ હવે તેની સાથે જે વાર્તા થશે તે જોઈએ. (અથવા મારી સાથે તે ધૂર્તની જે વાર્તા થશે તે સમગ્ર લોકો જાણશે.) ૧૬૦૭
વિવેચન - યજ્ઞમંડપથી સમવસરણની ભૂમિ તરફ અગ્નિભૂતિ જઈ રહ્યા છે. મનમાં પોતાના ભાઈના પરાભવના કારણે અને પોતાની વિદ્યાનું માન હોવાના કારણે ક્રોધ અને માનથી ધમધમેલા અગ્નિભૂતિ આવા પ્રકારના વિચારોમાં આકુલ-વ્યાકુલ છે.
મારો ભાઈ ઈન્દ્રભૂતિ ત્રણે ભુવનના લોકોને જીતવો દુષ્કર છે અર્થાત્ દુર્જય છે. અહીં આ શ્રમણની સાથે ધર્મચર્ચામાં કદાપિ પરાભવ પામે નહીં. પરંતુ હું માનું છું કે આ શ્રમણ કોઈ મહાછલ-કપટ જાણનારો મહાધૂતારો - (મહાઠગ) હશે. વાદીને જિતવા
માટે ન્યાયશાસ્ત્રમાં બતાવેલાં ૩ છલ ૨૪ જાતિ અને ૨૨ નિગ્રહસ્થાનોનો ઉપયોગ કરવામાં ઘણો નિપુણ હશે. તેના વડે મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરાયું હશે. બોલવાની ચાલબાજીમાં મારા ભાઈને જકડી લેવાયો હશે અથવા આ શ્રમણ કોઈ મહાકપટી ઈન્દ્રજાલીયો પુરુષ હશે એમ ચોક્કસ લાગે છે. તો જ જગદ્ગુરુ એવા મારા ભાઈનું ચિત્ત તેના વડે ભમાડાયું હોય. અન્યથા આમ બને નહીં. પરંતુ હવે આવા પ્રકારના ઘણા વિચારો કરવા વડે સર્યું તે બન્નેની વચ્ચે ત્યાં જે વાદ-વિવાદ થયો તે કેવી રીતે થયો ? કોણ શું બોલ્યું ? કોણે કોને શબ્દથી બાંધી દીધો ? કોણે ક્યાં માયા-કપટ કર્યું ? તે બધું તો કોણ જાણે ? હું ત્યાં હાજર ન હતો. (અર્થાત્ જો હું ત્યાં હાજર હોત તો તે માયાવીની માયા ઉઘાડી કરી નાખત અને મારા ભાઈનો પરાભવ ન થવા દેત) પણ હવે આ શોક કરવાથી સર્યું.
૧. મૂલગાથામાં ઉત્તરાર્ધમાં Ī અને રૂ માત્ર વાક્યાલંકાર પુરતા જ અપાયા છે. તેથી તેનો કંઈ અર્થ કરેલ નથી. તથા સંસ્કૃતછાયામાં તે લીધા નથી.