________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - આ પ્રમાણે અગ્નિભૂતિ આદિના કર્મ આદિ વિવાદસ્થાનોમાં પણ જે જે સમાન વક્તવ્ય છે. તે સ્વયં સમજી લેવું. પરંતુ જ્યાં જ્યાં જે જે વિશેષ છે તે વિશેષને સંક્ષેપમાં હું સમજાવીશ. /૧ ૬0પી
વિવેચન - ઈન્દ્રભૂતિ આદિ કુલ ૧૧ બ્રાહ્મણપંડિતો છે. તે દરેકના મનમાં જીવકર્મ ઈત્યાદિ વિષયની શંકા છે. પ્રથમ બ્રાહ્મણ પંડિત શ્રી ઈન્દ્રભૂતિનો જીવવિષયક સંદેહ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પ્રત્યક્ષાદિ વિવિધ પ્રમાણો વડે છેદ્યો. તેની જેમ અગ્નિભૂતિ આદિ શેષ ૧૦ બ્રાહ્મણ પંડિતોના પણ મનમાં રહેલા “કર્મ છે કે નહીં” ઈત્યાદિ વિષયવાળા દસે પ્રશ્નોને ભગવાને છેદ્યા છે. તેનું વર્ણન પણ ઈન્દ્રભૂતિમાં જણાવ્યા પ્રમાણે જ પ્રત્યક્ષ-અનુમાન અને આગમ પ્રમાણ દ્વારા સ્વયં પોતાની બુદ્ધિથી જ સમજી લેવું. કારણ કે તર્કદષ્ટિથી લગભગ બધું સમાન જ છે. છતાં આ બાબતમાં જે જે વિવાદના સ્થાનોમાં કંઈક કંઈક વિશેષતા છે. તે વિશેષતાને તે તે વાદસ્થાનોની ચર્ચામાં અતિશય સંક્ષેપથી ગ્રંથકારશ્રી પોતે જ સમજાવશે. આ પ્રસંગે ૧૧ બ્રાહ્મણપંડિતોનાં નામો, તેમના સંદેહો, તેમની ઉંમર, તેઓનું સંસારી જીવન, દીક્ષિતજીવન, કેવલપર્યાય વગેરે જાણવા જેવી કેટલીક માહિતી પૃ. ૯૫ ઉપર કોષ્ઠકમાં આપી છે - વિશેષ માહિતી ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસેથી જાણી લેવી. ll૧૬૦૫ll
પહેલા ગણધર શ્રી ઈન્દ્રભૂતિનો વાદ સમાપ્ત થયો.