________________
આગમ-કથાઓ
94
=
(૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી – ૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે. ૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે.
(૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી – ૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ–વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે. ૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે.
(૫૫)કાયાના ગોપનથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી ૧.કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે.૨. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે (૫૬) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી – ૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તે સમકિતની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય કરે છે.
(૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી – ૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે. ૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે.
(૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી – ૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને ૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી – ૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે. ૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ, દોરો પરોવેલ સોયની જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી. ૨. સિદ્ધાંતોમાં કોવિદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે છે.
(૬૦) જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન્ન થવાથી – ૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને ૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત રૂપી દીપક ક્યારે ય બુઝાતો નથી તથા તે ૩. જ્ઞાન–દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અણુત્તર જ્ઞાન–દર્શન પ્રાપ્ત કરે છે.
(૬૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી – જીવ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૬૨–૬૬) પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી— ૧. જીવ મનોશ–અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ–દ્વેષ અને કર્મ બંધ કરતો નથી.
(૬૭–૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી– ૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે. ૨. અને તદજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે.
(૭૧–૭૩) રાગ દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી– ૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે. ૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ૪. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. ૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બે તૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં ભ્રમણ બંધ થઈ જાય છે. ૬. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.સમ્યક્ પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સભ્યપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય
છે.
ત્રીસમું અધ્યયન : તપનું સ્વરૂપ
આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનુભેદોનું વર્ણન છે.
જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે. તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતાં રહેવાથી કરોડો ભવોના સંચિત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્મ આશ્રવથી પણ રહિત થઈ જાય છે.
અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના આપ્યંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે.
(૧) નવકારસી, પોરસી, નીવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઇત્વરિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે.(૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું, દ્રવ્ય ઊણોદરી છે. બીજા ચાર ભેદ અભિગ્રહ સંબંધિત છે.(૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ-અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિગયમાંથી કોઈપણ એક અથવા અનેક વિગયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે.(૫) વીરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે.(૬) જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાન્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય–વિષયોનો ત્યાગ કરવો પ્રતિસંલીનતા તપ છે.(૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે.(૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે.(૯) આચાર્ય, સ્થવિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે.