________________
આગમ-કથાઓ
84
બારમું અધ્યયન ઃ હરિકેશી મુનિ
(૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ–સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. (૨) ચાંડાલ કુલોત્પન્ન ‘હરિકેશ બલ’ નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક,– સત્ય ધર્મ, ભાવયશ અને ભાવસ્નાનનું સ્વરૂપ સમજ્યા.
(૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા.
યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ
કરવામાં આવ્યો.
ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે.
ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત કર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો.
(૪) હરિકેશીમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાં સ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો.
(૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે, નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે.
(૬) આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ૠષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે.
અકલુષિત અને પ્રશસ્ત લેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાય નિર્મળ જળ છે; જેમાં સ્નાન કરી મુનિ શીતલતા—– કર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાસ્નાન છે.
તેરમું અધ્યયન : ચિત્ત સંભૂતિ
કથા : ચિત સંભૂતિ એ પૂર્વમાં પાંચ ભવ સાથે કર્યા હતાં. શુદુ કુળમાં જન્મ થવાથી વારંવાર અપમાનીત થયા અને અંતમા દિક્ષા લીધા પછી પણ જયારે તેમને કુળના કારણે અપમાનીત થવું પડયું, ત્યારે સંભૂતિએ ક્રોધમાં તેજો લેશ્યાનો ઉપયોગ કર્યો . ચક્રવર્તી તેમની ક્ષમા માંગવા આવે છે, ચક્રવર્તી ની રુધ્ધિ જોઈ સંભૂતિ, એ રુધ્ધિ માટે નિયાણું કરે છે.
(૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી.
(૨) પૂર્વ ભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે જાતિ સ્મરણ જ્ઞાન અને બોધને પ્રાપ્ત કર્યું ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ–ભોગનો ત્યાગ કરી શકયા નથી અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શકયા નથી જેથી મૃત્યુ પામી નરકમાં ગયા.
(૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી.
( કડાણ કમ્માણ ન મોકખ અસ્થિ )(૪) બ્રહ્મદત્તે પોતાની ભાવના અનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નાટકોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરકત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું.
(૫) મૃગના સમુહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી. તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી. મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર કર્યા બાદ લોકો તેના ધન– સંપત્તિના સ્વામી બની જાય છે.
ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયો નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં.
ચિત્તમુનિએ સંયમ–તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયો.
ચૌદમું અધ્યયન ઃ ભૃગુ પુરોહિત
પ્રાસંગિક કથા :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા-પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો, પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણીએ રાજાને ઉદ્બોધન કર્યું. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા.