________________
jain
79
કથાસાર
(૧૨–૧૩) આક્રોશ—વધ પરીષહ– કઠોર શબ્દ અથવા મારપીટ-તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી.
(૧૪–૧૫) યાચના—અલાભ પરીષહ– દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ કયારે ય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે.
(૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાંતક થવા છતાં ઔષધ-ચિકિત્સાની ભિક્ષુ ઇચ્છા ન કરે. તે રોગાંતકનો ઉપચાર ર્યા વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે.
(૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે.
(૧૮) જલ્લ–મેલ પરીષહ– બ્રહ્મચારીમુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મ નિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યંત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે.
(૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ– અતિશય માન–સન્માન પામીને ફુલાઈ ન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન–સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા—સત્કારને સૂક્ષ્મ શલ્ય કહેવામાં આવેલ છે.
(૨૦–૨૧) પ્રજ્ઞા-અજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવ આદિ) ઉત્પન્ન ન થાય તોપણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (૨૨) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી વ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું.
આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીઘ્રાતિ શીઘ્ર આત્મકલ્યાણ કરે છે. સંસાર સાગરનો પાર પામી જાય છે.
ત્રીજું અધ્યયન : ચાર દુર્લભ અંગ
(૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકો કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે.
(૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ થવી અત્યંત દુર્લભ છે.
(૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી.
(૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે તેનો માનવ જન્મ સફળ છે. કારણકે માનવભવ સિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી.
(૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે.
(૬) પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપઆદિની આરાધના દ્વારા સંપુર્ણ કર્મ ક્ષય કરીને મુકત થઈ જાય છે.
(૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપ– સંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલ આસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઈએ.
(૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. (ધર્મ ઉપદેશનાં પાણીથી ફળદ્રુપ કસવાળી જમીન હોય તો ધર્મનું વૃક્ષ ઉગી નીકળે છે, સત્વ વગરનાં લોકોને ઉપદેશ ફળીભૂત થતું નથી)
ચોથું અધ્યયન ઃ કર્મફળ અને ધર્મપ્રેરણા
(૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ–સંયમ, વ્રત–નિયમનું આચરણ કરી લેવું જોઈએ.
(૨) પ્રાણી કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી.
(૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છુટકારો થતો નથી.
(૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૫) ‘પછી ધર્મ કરશું’ એમ કહેનાર પહેલાં કે પછી ક્યારે ય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુઃશક્ય છે.
(૬) સંયમ આરાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઈએ.
(૭) સમ્યક્ શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ.