________________
jain
63
કથાસાર
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં આમલકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં આમ્રશાલવન નામના બગીચામાં અધિષ્ઠાયક વ્યકિતની આજ્ઞા લઈ અન્ય સાધુઓ સહિત સપરિવાર બિરાજમાન થયા.
ત્યાંના શ્વેત નામના રાજા ધારિણી રાણી સહિત, વિશાળ જનમેદની સાથે ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાન પાસે આવતાં જ પાંચ અભિગમ કર્યા અને વિધિયુકત વંદન—નમસ્કાર કરી બેઠા.
પ્રથમ દેવલોકના સૂર્યાભ વિમાનના માલિક સૂર્યાભદેવ–ચાર હજાર સામાનિક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પ્રકારની પરિષદ, સોળહજાર આત્મરક્ષક દેવ ઇત્યાદિ વિશાળ ઋદ્ધિની સાથે દૈવિક સુખોનો અનુભવ કરી રહ્યા હતાં. સંયોગવશાત્ અઘિશાનમાં ઉપયોગ મૂકતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આમલકલ્પા નગરીમાં બિરાજતા જોયા અને જોતાં જ પરમ આનંદિત થયા; તરત જ સિંહાસનથી ઉતરી, પગમાંથી પાદુકા કાઢી, મુખે ઉત્તરાસન રાખી, ડાબો પગ ઊંચો કરી મસ્તકને ત્રણ વખત ધરતી ઉપર અડાડયું. ત્યાર પછી જોડેલા હાથ મસ્તક પાસે રાખીને પ્રથમ નમોત્થણના પાઠથી સિદ્ધ ભગવંતોને અને તે પછી બીજા નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને ગુણ કીર્તન કર્યા. પછી સિંહાસન પર બેઠા. ત્યારે સૂર્યાભદેવને મનુષ્ય લોકમાં આવી ભગવાનના દર્શન–સેવાનો લાભ લેવાની ભાવના ઉત્પન્ન થઈ. સમવસરણની આસપાસ એક યોજન પ્રમાણ ક્ષેત્રની શુદ્ધિ કરવા આભિયોગિક દેવોને આજ્ઞા કરી.
નમસ્કાર
આજ્ઞાનુસાર આભિયોગિક દેવોએ આમલકલ્પા નગરીમાં આવીને પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા, પોતાના નામ—ગોત્ર આદિનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું – હે દેવાનું પ્રિયો ! તમારો જીતાચાર આચાર પરંપરા છે કે ચારે જાતિના દેવ પ્રસંગોપાત અધિપતિ દેવોની આજ્ઞાથી અરિહંત ભગવાનને નમસ્કાર કરી પોતાના નામ-ગોત્રનો પરિચય આપે છે. દેવો ભગવાનના વચનામૃતો સાંભળી પુનઃ વંદન નમસ્કાર કરી બહાર આવ્યા અને ભગવાનની ચારે તરફ એક યોજન જેટલા ક્ષેત્રને સંવર્તક વાયુ દ્વારા પ્રમાર્જિત કર્યું. ત્યાર પછી પાણીનો છંટકાવ કર્યો એવં સુગંધિત દ્રવ્યોથી તે ક્ષેત્રને સુવાસિત કર્યું. પુનઃ પરમાત્માને વંદન કરી તે દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સૂર્યાભદેવને આજ્ઞા પાછી આપી. સૂર્યાભદેવની આજ્ઞાથી સેનાપતિ દેવે સુસ્વરા નામની ઘંટાને ત્રણ વખત વગાડી બધા દેવોને સજાગ કર્યા. પછી બધાને સંદેશો સંભળાવ્યો કે સૂર્યાભદેવ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે પણ પોત પોતાના વિમાનોથી શીધ્ર ત્યાં પહોંચો. ઘોષણા સાંભળી દેવ સુજિજત થઈ યથાસમયે સુધર્મ સભામાં પહોંચ્યા. સૂર્યાભદેવની આજ્ઞાથી એક લાખ યોજન લાંબુ – પહોળું અને ગોળાકાર વિમાન વિકવ્યું. જેના મધ્યમાં સિંહાસન ઉપર સૂર્યાભદેવ આરૂઢ થયા. પછી યથાક્રમથી બધા દેવ ચઢીને પોત–પોતાના ભદ્રાસન પર બેસી ગયા. શીઘ્ર ગતિએ વિમાન પહેલા દેવલોકના ઉતર નિર્માણ માર્ગથી નીકળી, હજારો યોજનની ગતિથી અલ્પ સમયમાં નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર પહોંચી ગયો. ત્યાં વિમાનને નાનું બનાવી પછી આમલકલ્પા નગરીમાં આવી વિમાન દ્વારા ભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, ભૂમિથી ચાર આંગળ ઊંચુ વિમાન રાખ્યું. સૂર્યાભદેવ પોતાના સમસ્ત દેવપરિવાર સહિત ભગવાનની સેવામાં પહોચ્યા અને વંદન—નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભગવાને સૂર્યાભદેવને સંબોધિત કરી યથોચિત શબ્દોથી તેની વંદનાનો સ્વીકાર કરતાં કહ્યું કે આ તમારું કર્તવ્ય છે, ધર્મ છે, આચાર છે, જીતાચાર છે, કરણીય છે ઇત્યાદિ. સૂર્યાભદેવ ભગવાનના વચનો સાંભળી અત્યંત હર્ષિત થયા અને હાથ જોડી બેસી ગયા.
–
પ્રભુએ પરિષદને ધર્મોપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જન થઈ. સૂર્યાભદેવે ભગવાનને પ્રશ્ન પૂછયો – ભંતે ! હું ભવી છું કે અભવી ? સમ્યક્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ ? પરિત સંસારી છું કે અપરિત સંસારી ? ચરમ શરીરી છું કે અચરમ શરીરી ? ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે ભવી, સમ્યક્દષ્ટિ છો અને એક ભવ કરી મોક્ષે જશો.
સૂર્યાભદેવ અત્યંત આનંદિત થયા અને ભગવાનને કહ્યું – ભંતે ! આપ તો સર્વજ્ઞ, સર્વદર્શી છો. બધું જાણો – જુઓ છો પરંતુ ભકિતવશ થઈ હું ગૌતમાદિ અણગારોને મારી ઋદ્ધિ – બત્રીસ પ્રકારના નાટકો દેખાડવા ઇચ્છું છું. આ પ્રમાણે નિવેદન કર્યું પણ ભગવાને કંઈ જ જવાબ ન આપ્યો, મૌન રહ્યા. પછી સૂર્યાભદેવે ત્રણ વખત વિધિયુકત વંદન કરી મૌન સ્વીકૃતિ સમજી ઇચ્છાનુસાર વૈક્રિય શકિતથી સુંદર નાટયમંડપની રચના કરી અને ભગવાનની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના સિંહાસન પર ભગવાનની સામે મુખ રાખી બેસી ગયા.
નાટયવિધિનો પ્રારંભ કરતાં પોતાની એક ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને બીજી ભુજામાથી ૧૦૮ દેવકુમારીઓ કાઢી. ૪૯ પ્રકારના ૧૦૮ વાદકોની વિકુર્વણા કરી. પછી દેવકુમારોને નાટક કરવાનો આદેશ કર્યો. દેવકુમારોએ આજ્ઞાનુસાર નૃત્ય કર્યું. તે નાટકનો મુખ્ય વિષય આ પ્રમાણે છે
=
(૧) આઠ પ્રકારના મંગલ દ્રવ્યો સંબંધી (૨) પંકિતઓ (આવલિકાઓ) સંબંધી (૩) વિવિધ ચિત્રો સંબંધી (૪) પત્ર-પુષ્પ-લતા સંબંધી (૫) ચંદ્રોદય–સૂર્યોદયની રચના સંબંધી (૬) તેમના આગમન સંબંધી (૭) તેના અસ્ત સંબંધી (૮) તેના મંડળ અથવા વિમાન સંબંધી (૯) હાથી, ઘોડા આદિની ગતિ સંબંધી (૧૦) સમુદ્ર અને નગર સંબંધી (૧૧) પુષ્કરણી સંબંધી (૧૨) કકાર, ખકાર, ગકાર ઇત્યાદિ આદ્ય અક્ષર સંબંધી (૧૩) ઉછળવું – કૂદવું, હર્ષ–ભય, સંભ્રાંત– સંકોચ વિસ્તારમય થવા સંબંધી, અંતમાં ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ–દેવ ભવ, ચ્યવન, સંહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ-સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુકત નાટકનું પ્રદર્શન કર્યું; નાટય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડયા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્ય દેખાડયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુકત વંદન નમસ્કાર કરી સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિકુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન–નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં
ચાલ્યા ગયા.
(નોંધ : સમકીતી દેવોએ આ પ્રમાણે ન કરવું જાઈએ, સાધુસંદને જ્ઞાન અધ્યયન અને સ્વાધ્યાયમાં તેથી વિક્ષેપ થાય છે. પ્રમાદ અને આસકિત પણ થઈ શકે છે. પ્રશ્ન એ થાય છે કે પ્રભુએ તેને આવું ન કરવા ઉપદેશ કેમ નહિં આપ્યો.)