________________
jain
59
કથાસાર
દિશાના દરવાજેથી નગર પ્રવેશ કર્યો. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. જિજ્ઞાસા થતાં ભગવાનને પૂછયું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો.
(કોઈ અભિગ્રહ વિશેષના કારણે અથવા બીજા બીજા ઘરે ગોચરી માટે વિવિધ દરવાજાઓથી પ્રવેશ કર્યો હશે .) પૂર્વભવ :- આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધન્વંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં, શ્રીમંત તેમજ ગરીબ બધાના દર્દનો ઉપચાર કરતો.
ઉપચાર એવં પથ્યમાં તે લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુંસુમાર આદિ જલચરોનું તથા બકરા, સુવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઘેંટા આદિ પશુઓના માંસનો આહાર કરવાની પ્રેરણા કરતો. કેટલાકને આ વૈધ તીતર, બતક, કબૂતર કૂતરા, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉકત પ્રકારના માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી તેણે ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો.(અસાતા વેદનીયનો ઉત્કૃષ્ટ બંધ ૩૦ કોડા કોડી સાગર તથા અબાધા કાળ ૩૦૦૦ વર્ષનો છે. આથી મોટુ આયુષ્ય અને ૩૦૦૦ વર્ષથી વધારે કાળ સુધી પાપનુ આચરણ કરનાર તેજ ભવમાં કર્મ ઉદયથી અસાતા ભોગવે છે.) ત્યાં ૨૨ સાગરોપમનું આયુષ્ય ભોગવી, દારુણ દુ:ખથી પીડાતો મૃત્યુ પામી અહીં ઉંબરદત્ત બન્યો છે; જે અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે.
ભવિષ્ય – અહીં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુઃખમય જીવન પસાર કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતો થકો અંતે હસ્તિનાપુરમાં કૂકડા તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કોઈના દ્વારા મરીને પછી શ્રેષ્ઠિપુત્ર બની સંયમ આરાધન કરશે; ત્યારે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે.
આઠમું અધ્યયન – શૌરિકદત્ત
શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શૌર્યાવતંસક ઉદ્યાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન પણ હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માન્યતા કરવાથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થતાં તેનું નામ શૌરિકદત્ત રાખ્યું.
સમુદ્રદત્ત માછીમાર મહા અધર્મી એવં નિર્દયી હતો. તે મૃત્યુ પામ્યો. તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના અનેક નોકરો યમુના નદીમાં જઈ માછલીઓ પકડી તેના ઢેરના ઢેર ઉભા કરતા. પછી તેને સૂકવી, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો.
એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો ન નીકળ્યો તે કારણે પ્રચંડ વેદના ભોગવતો દુઃખ પૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડામાં તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું. તેના વમનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળતા. સંયોગવશાત્ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે જતાં તેમની દૃષ્ટિ શૌરિકદત્ત ઉપર પડી. શૌરિકદત્ત કંટકની વેદનાથી આક્રંદ કરી રહ્યો હતો. તેને જોતાં લોકો કહેતા – 'અહો! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.' પૂર્વભવ તેનો પૂર્વભવ પૂછતાં ભગવાને આ પ્રકારે વર્ણન કર્યું – નંદીપુરમાં મિત્રરાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેના માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; જે તેને અનેક પ્રકારનું માંસ લાવી આપતા. તે રસોઈયો અનેક જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના—મોટા, લાંબા—ગોળ અનેક આકારોમાં ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો. અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. કયારેક કાળા, લીલા, લાલ બનાવતો હતો તો કયારેક તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો.
=
આ પ્રકારની તલ્લીનતા પૂર્વક ભોજનવિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી પાંચ પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર કર્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધીનું દુઃખ ભોગવી અહીં શૌરિકદત્ત થયો.
ભવિષ્ય :- અહીં નરકતુલ્ય દુ:ખો ભોગવી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. અંતે મચ્છ બની માર્યો જશે; અને પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં જશે. ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
શિક્ષા અને પ્રેરણા :– સંસારમાં નોકરી, વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જાઈએ. કારણ કે તેવા પરિણામોથી અત્યંત દુ:ખદાયી કર્મોનો બંધ પડે છે. વર્તમાનમાં મસ્ત રહેવાવાળા અને ભવિષ્યનો વિચાર ન કરવાવાળા યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે.
નવમું અધ્યયન – દેવદત્તા
રોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રી દેવી નામની રાણી અને પુષ્પનંદી રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેની દેવદત્તા દીકરી હતી. તે તરૂણાવસ્થામાં પ્રવેશી. સખીઓ સાથે રાજમાર્ગ ઉપર રમતાં વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પનંદી માટે માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર કર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પનંદી રાજા બન્યો. પિતાની ગેરહાજરીમાં માતા શ્રી દેવીની અત્યંત ભકિત કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી.
દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહ દંડ ગરમ કર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુને ઘોંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી.