________________
આગમ-કથાઓ
214
કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે.
આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે.
આત્મશુદ્ધિ વિના વિનય સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય –આચારના નિયમોનું પાલન− પણ કર્યું છે. તે અનુસાર નિયમોનુ સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો.
(૯) વૈયાવૃત્ય તપ ઃ સંયમી અને સાધર્મીકની સેવા (વૈયાવચ્છનું મહત્વ સ્વાધ્યાયથી વિશેષ છે) આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, પ. રોગી, ૬. નવદીક્ષિત, ૭. કુલ, ૮. ગણ, ૯. સંઘ, ૧૦. સાધર્મિક શ્રમણ. તેઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર પ્રદાન કરી શારીરિક શાતા પહોંચાડવી, વચન વ્યવહારથી માનસિક સમાધિ પહોંચાડવી વૈયાવચ્ચ તપ છે.
(૧૦) સ્વાધ્યાય તપ : શુધ્ધ જ્ઞાનનું મર્યાદાથી પઠન, પાઠન– ભણવું ભણાવવું . તેના પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છા, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. રુચિપૂર્વક શાસ્ત્રોનું, જિનવાણીનું, ભગવદ્ સિદ્ધાંતોનું કંઠસ્થ કરવું, વાંચન કરવું, મનન, ચિંતન અનુપ્રેક્ષણ કરવું, પ્રશ્ન, પ્રતિપ્રશ્નોથી અર્થ, પરમાર્થને સમજવું. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત થયેલ અનુભવને ભવી જીવો સમક્ષ પ્રસારિત કરવું. અર્થાત્ પ્રવચન દેવું, સ્વતઃ ઉપસ્થિત પરિષદને યોગ્ય ઉદ્બોધન દેવું, તેઓને ધર્મમાર્ગમાં ઉત્સાહિત કરવા, તે સ્વાધ્યાય તપ છે.(પ્રેરણા કરી, પત્રિકા છપાવી, ભક્તોને એકઠા કરી સભાનું આયોજન કરવામાં આવે છે અને તેઓને પ્રસન્ન કરવાના હેતુએ માળા અર્પણ કરવામાં આવે છે તે સ્વાધ્યાય તપ નથી)
(૧૧) ધ્યાન તપ : એકાગ્રતાથી શુભચિંતન અથવા અશુભ ચિતવૃતિ રોકવી. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત અનુભવ જ્ઞાન દ્વારા આત્માનુલક્ષી, વૈરાગ્યવર્ધક, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અશુચિ ભાવના આદિ દ્વારા આત્મધ્યાનમાં લીન બનવું અને જ્ઞાન, વૈરાગ્ય તથા આત્મભાવમાં એકમેક બની જવું, મનને અધ્યાત્મભાવમાં એકાગ્ર, સ્થિર કરવું, આત્મ વિકાસના આત્મગુણોમાં પૂર્ણરૂપે ક્ષીર–નીરવત્ મળી જવું. આ પ્રકારે સમભાવ યુક્ત આત્મ વિષયમાં એકાગ્રચિત્ત થઈ જવું; બાહ્ય સંકલ્પોને દૂર કરી આધ્યાત્મ વિષયમાં આત્મસાત્ થવું, તલ્લીન બનવું તે 'ધ્યાન તપ' છે.
સ્વાધ્યાયના ચોથા ભેદરૂપ અનુપ્રેક્ષા અને ધ્યાનની અનુપ્રેક્ષા જુદી જુદી છે. એક તત્ત્વાનુપ્રેક્ષા છે તો બીજી આત્માનુપ્રેક્ષા છે. વિસ્તૃત નયની અપેક્ષાએ ધ્યાનના ચાર ભેદ છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેનું વિસ્તૃત વર્ણન આગળ ધ્યાન સ્વરૂપ માં જુઓ. (૧૨) વ્યુત્સર્ગ તપ : (હેયનો ત્યાગ): સ્વાધ્યાય અને ધ્યાનમાં મનવચનનો પ્રયોગ હોય છે. જ્યારે વ્યુત્સર્ગમાં ત્યાગ પ્રધાન છે. આ અંતિમ ઉત્કૃષ્ટ કક્ષાનું તપ છે. તેમાં ત્યાગ જ કરવાનો છે, ત્યાં સુધી કે સ્વાધ્યાય અને ધ્યાનનો પણ ત્યાગ કરવામાં આવે છે. કારણ કે સ્વાધ્યાય, ધ્યાનમાં યોગ પ્રવર્તન છે. અનુપ્રેક્ષા કરવી એ પણ યોગ પ્રવૃત્તિ છે. આ વ્યુત્સર્ગ તપમાં તો મન, વચન અને કાયાના યોગોને ત્યાગવાનું જ લક્ષ્ય હોય છે.
દ્રવ્ય વ્યુત્સર્ગ :– ૧. સામુહિકતાનો અર્થાત્ ગણનો ત્યાગ કરી એકલવિહારીપણું ધારણ કરવું એ ‘ગણ વ્યુત્સર્ગ તપ’ છે. ૨. શરીરનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવો અર્થાત્ ત્રણે યોગોનો શકય તેટલો વ્યુત્સર્ગ કરવો એ ‘કાયોત્સર્ગ તપ’ છે. ૩. ઉપધિનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ઉપધિ વ્યુત્સર્જન તપ’ છે. ૪. આહાર પાણીનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ભક્ત–પાન વ્યુત્સર્જન તપ’ છે. દ્રવ્ય વ્યુત્સર્ગના આ ચાર પ્રકાર કહ્યા છે.
ભાવ વ્યુત્સર્ગ :– કષાય ત્યાગ, કર્મ બંધ નિવારણ અને સંસાર ભ્રમણનો નિરોધ કરવો એ ભાવ વ્યુત્સર્ગ તપના ત્રણ પ્રકાર છે. વિશેષ વિચારણા :– કાયોત્સર્ગમાં જે લોગસ્સ આદિના જાપ આદિની પ્રવૃત્તિ ચાલી રહી છે. તે પૂર્ણ વ્યુત્સર્ગ નથી. ખરેખર વ્યુત્સર્જન તે જ છે જેમાં વચન અને કાયાયોગના ત્યાગની સાથે નિર્વિકલ્પતાની સાધના થાય છે અર્થાત્ એમાં મનોયોગના વ્યાપારને પણ પૂર્ણરૂપે નિરોધ કરવાનું લક્ષ્ય હોય છે, અનુપ્રેક્ષાનો પણ ત્યાગ હોય છે. આ જ કાયોત્સર્ગરૂપ વ્યુત્સર્ગ તપની સાધના છે. વ્યુત્સર્ગ એ ધ્યાન પછીનું તપ છે. ધ્યાન કરતાં પણ તે વિશિષ્ટ કક્ષાની સાધના છે.
આજકાલ આ સાધનાને પણ ધ્યાનના નામે પ્રચારિત કરાય છે. જેમ કે નિર્વિકલ્પ ઘ્યાન, ગોયંકા ઘ્યાન, પ્રેક્ષા ધ્યાન આદિ. આ સર્વે વ્યવહાર સત્ય ધ્યાન બની ગયા છે પરંતુ વાસ્તવિક સત્ય નથી.
કેટલાય લોકોનું એવું માનવું છે કે નિર્વિકલ્પતા છદ્મસ્થોને નથી હોઈ શકતી. પરંતુ તેમનો આવો એકાંતિક વિચાર અયોગ્ય છે. મનોયોગનું અંતર પણ શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રગાઢ નિદ્રામાં પણ મનોયોગ અવરુદ્ધ થાય છે અને વ્યુત્સર્ગ તપમાં યોગોનું વ્યુત્સર્જન કરવું તેને પણ આગમમાં તપરૂપ કહેલ છે. તેમાં મનના સંકલ્પોનું પણ વ્યુત્સર્જન કરવું સમાવિષ્ટ છે. તેથી તેનો એકાંત નિષેધ કરવો અનુપયુક્ત અને અવિચારેલ છે. ધ્યાનની સાધનાથી આ વ્યુત્સર્ગની સાધના કંઈક વિશેષ કઠિન અવશ્ય છે તો પણ તેને અસાધ્ય માની શકાય નહીં.
આ બધા પ્રકારના તપ, જ્ઞાન–દર્શન–ચારિત્રની સાથે જ મહત્ત્વશીલ બને છે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર યા ચારિત્રાચારિત્ર ન હોય તો ભૂમિકા વિનાનું તપ આત્મ ઉત્થાનમાં, મોક્ષ આરાધનામાં મહત્ત્વશીલ બની શકતું નથી. તેથી કોઈ પણ નાના કે મોટા તપમાં જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિ ભાવની ઉપેક્ષા ન હોવી જોઈએ.
ચતુર્વિધ મોક્ષ માર્ગની સાપેક્ષ સાધના જ મોક્ષ ફલદાયી થઈ શકે છે. એના ચાર પ્રકાર છે– (૧) સમ્યજ્ઞાન (૨) સભ્યશ્રદ્ધા (૩) સમ્યક ચારિત્ર (૪) સમ્યક તપ. જેમ કે–