________________
jain
175
કથાસાર આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાચ પાઠોનું સંકલન નિયુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે.
આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે.
પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના અન્યોન્ય અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણ વિધિ કરવામાં આવે છે.
આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ :(૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) આ પાંચ પદો સિવાય, અધ્યાત્મ દષ્ટિએ બીજા કોઈ પણ પદો વંદનીય-નમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણ સંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન્ન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય; તેમજ ગુણ રહિત કેવળ શરીર કે આકૃતિને પણ વંદનીય કહી શકાય નહિ. આત્માથી રહિત ફોટો તેમજ મૂર્તિને પણ ભક્તિ પ્રધાન વ્યવહારમાં નમસ્કરણીય માનવામાં આવે છે, જે એક પરંપરા છે. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતા નથી, પરંતુ આવા જ્ઞાન અને ગુણ સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે(૧) અરિહંતઃ તીર્થકર ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તેઓ ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. તથા જધન્ય ૨ કરોડ કેવલી અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવલી ભગવાન હોય છે. (૨) સિદ્ધ : આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જ સિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં મહાન હોય છે.
સિદ્ધોના ગુણો મહાન હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, તીર્થ સ્થાપનાની અપેક્ષાએ અરિહંત ભગવાન અતિ નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ પદમાં રાખવામાં આવેલ છે. (૩) આચાર્ય : જિનશાસનમાં સાધુ-સાધ્વીજીઓના અનુશાસ્તા, સંઘ શિરોમણી, ગુણ સંપન, પ્રતિભાવંત, મહાશ્રમણને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે પોતાના નિશ્રાગત (અધીનસ્થ) સાધુ-સાધ્વીના સંયમ ગુણોના સાચા સંરક્ષક હોય છે. તેમને આ ત્રીજા પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. (૪) ઉપાધ્યાયઃ સંઘમાં અધ્યાપન સુવિધા તેમજ વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમે આગમ અધ્યયન કરાવવા, આચાર્યના સહયોગી ઉપાધ્યાય નિયુક્ત કરવામાં આવે છે. જેઓ સ્વયં આગમોના ગહન અધ્યેતા(અભ્યાસી) ગીતાર્થ–બહુશ્રુત હોય છે અને આચાર્ય દ્વારા પોતાની પાસે નિયુક્ત શિષ્યોને કુશળતાથી યોગ્યતા અનુસાર અધ્યયન કરાવે છે. જિન શાસનમાં આગમજ્ઞાનની પરંપરાને પ્રવાહિત કરવા વાળા આવા મહાજ્ઞાની સાધુઓને ચોથા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. (૫) સાધુ-સાધ્વી : અધ્યાત્મ સાધનામાં ૧૮ પાપોનો ત્યાગ કરી ધર્મની સમ્યક આરાધના કરનારા, પાંચ મહાવ્રતોનું પરિપૂર્ણ પાલન કરનારાને સાધુ-સાધ્વી કહેવામાં આવે છે. આ સાધુ-સાધ્વી સામાન્ય તેમજ વિશેષ અનેક શ્રેણીવાળા હોઈ શકે છે. અલ્પશ્રુત અને બહુશ્રુત અથવા કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ બધા જ સાધુઓને આ પાંચમા પદમાં નમસ્કાર કરવામાં આવે છે.
અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણે પદોવાળા પણ સૌ પ્રથમ પાંચમા પદમાં જ પ્રવેશ કરે છે પરંતુ ત્યારપછી પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી અરિહંત આદિ પદોને પ્રાપ્ત કરે છે. (૮) આ પાંચ નમસ્કરણીય પદોને મન, વચન, કાયા દ્વારા નમસ્કાર કરવાથી પાપોનો એટલે પાપ કર્મોનો નાશ થાય છે અર્થાત્ અનેક કર્મોની નિર્જરા થાય છે. આ પાંચ પદોને કરવામાં આવેલ નમસ્કાર અલૌકિક મંગલ સ્વરૂપ થાય છે, અર્થાત્ લૌકિક રીતે જે અનેક મંગલ માનવામાં આવે છે, તે સર્વ મંગલોમાં આ નમસ્કારરૂપ મંગલ સર્વોચ્ચ મંગલ સ્વરૂપ છે. તેથી દરેક મંગલની આવશ્યકતાના સ્થાને આ પાંચ પદોને નમસ્કાર કરવા યોગ્ય ગણાય છે. (૯) આ પ્રકારે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર સમસ્ત અધ્યાત્મગુણ સંપન આત્માઓનો અર્થાત્ નમસ્કરણીઓનું સંકલન સૂત્ર છે (૧૦) આ મહામંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલ નથી, એ જ આ મંત્રની વિશાળતાનું દ્યોતક છે.