________________
jain
101
કથાસાર ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન - કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્ય- ક્રિયાથી નિવૃત્ત થઈ કુણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સૂચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણંથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બંબસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું.
તેની પાછળ ચતુરગિણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત–ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા.
તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન–નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યાપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત ઇત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન - સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ (૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત)(૪) અનિમેષ દષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના :- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ફરમાવાયેલી અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ.
ધર્મદેશનાનો પ્રકાર- આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવત્ત આ બધાને લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરિવાદ, રતિ–અરતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે.
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, પૈશુન્યથી વિરત, પ૨પરિવાદથી વિરત, રતિ–અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુઃખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ જન્મ લે છે. સંસારી જીવોને જન્મ-મરણ
છે. શુભકર્મ અને અશુભકર્મ બન્ને ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી. | નિગ્રંથ પ્રવચનનું મહાભ્ય:- આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ
છે, પ્રતિપર્ણ છે, ન્યાયયક્ત છે. પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે. સિદ્ધિનો માર્ગ–ઉપાય છે. મક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ–પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મમરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર થયેલા જીવ સિદ્ધિ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિગ્રંથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્ય- વાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે.
જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (૨) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ.
જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩). ઉત્કચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ). જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો અભાવ.
જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ.