________________
દ્રવ્યપ્રતિક્રમણાદિ દોષસ્વરૂપ છે, દોષ મટાડવાને સમર્થ નથી. કારણ કે નિશ્ચયનયની અપેક્ષા સહિત વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યા છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે કારણ કે આત્મા તો પ્રતિક્રમાણદિથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિ સ્વરૂપ છે.
વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે, તે જ મોક્ષનું કારણ છે.
પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મસ્વરૂપ છે, તેમજ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, માટે તેને અમૃતકુંભ કહી છે. જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે પરંતુ અજ્ઞાનીનું નહિં. જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યા છે તે અજ્ઞાનીના નહિ પરંતુ ત્રીજી ભૂમિના શુદ્ધ આત્મમય જાણવા. પ્રમાદ કષાયના ભારથી થાય છે, પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિં, જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં વર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે.
જે પુરૂષ સમસ્ત પરદ્રવ્યોનો ત્યાગ કરી નિજદ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરૂષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરી મોક્ષને પામે છે. (મોક્ષ અધિકાર સમાપ્ત)
૫૨
સમયસાર નો સાર