________________
૮૨
સમાધિમરણ
બધું અજ્ઞાન છે.
મુનિ શ્રી (લલ્લુજી મુનિ) પણ વખતોવખત ત્યાં જતા હતા. અને એ જ સ્મરણમાં રહેવું એમ કહેતા હતા. પ્રથમથી જ કેટલાક પ્રત્યાખ્યાન મુનિ શ્રી સમીપે લીધા હતા. એ વગેરે સહજ જાણવા માટે લખી જણાવ્યું છે. એ માટે ક્ષમાપના ઇચ્છું છું.’’
*
પૂ.શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પોતાના સાળા શ્રી ખુશાલભાઈને જાગૃતિ આપવા લખેલ પત્ર –
ભાઈ તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરિયે તોફાનમાં પડેલું છે
“ભાઈ તમને ધર્માત્મા જોઈ મને કાંઈ કરુણા બુદ્ધિથી કહેવાની ઇચ્છા થાય છે. પણ તમારી તેવી દશા નહીં હોવાથી, મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે; છતાં પણ ફરી ફરી વિચારીને જોતાં છેવટે આ લખવાનું થવાથી પત્ર વાટે જણાવું છું. અને તે જણાવવાનું કારણ ફક્ત નિઃસ્વાર્થ અને પરમાર્થ જ છે. તમારી સાથે સગાસંબંધના કારણે કહેવાની કે જણાવવાની જરા પણ આત્મઇચ્છા નથી, એમ સ્પષ્ટ તપાસીને પરમાર્થના કારણે આ લખ્યું છે.
ભાઈ તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરિયે અત્યંત તોફાનમાં પડેલું છે, એમ સામાન્યપણે બહારથી લોકોને દેખાય છે. તેમ તમને પણ તમારા અસહ્ય દુઃખથી અનુભવવામાં આવતું હશે. તથાપિ હવે તે વહાણ ભગવત કૃપાએ પાર ઊતરશે એમ દૃઢ છે છતાં તમારા અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી. તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલા દુ:ખોને અશરીરાદિ ભાવે વેદન કરવાથી સર્વ દુ:ખનો ક્ષય થઈ જાય છે.”
નાશવંત શરીર અને સ્વાર્થી કુટુંબાદિક પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? વિચારો
“પૂર્વે આ જીવે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે, સ્વરૂપવાન શરીરો ધારણ કરતાં, ત્યાં અત્યંત મોહ રાખતાં, તે શરીરો આખરે મૂકવા પડ્યાં છે. કોઈપણ મહાત્મા કે જ્ઞાનીપુરુષ જીવન વધારી શક્યા નથી. તેમજ આત્મા પણ જીવન વધારી શકે તેમ નથી. ગમે ત્યારે એક જ વખત વહેલે કે મોડે આ શરીરને મૂકવું છે. અને આ શરીરનો સ્વભાવ સડન (સડવાનો) પડન (પડવાનો) વિષ્લેશણ (વિનાશ થવાનો) છે. તો તે વિનાશવંત પદાર્થો પ્રત્યે બુદ્ધિવંતને પ્રીતિ કેમ હોય, અને આવાં જ શરીર પૂર્વે તિર્યંચ ગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયા હશે. તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નર નરકાદિક ગતિ ઉત્પન્ન કરશે, ત્યાં પણ તેને કોઈ ભાવ પૂછનાર મળશે નહીં. તો આ મનુષ્યભવને વિષે જે કોઈ કુટુંબાદિક સ્નેહી પદાર્થો છે તે ફક્ત પોતાના સ્વાર્થને જ માટે શાતા કે ચાકરી કરે છે. કોઈ નિઃસ્વાર્થપણે એમ નહીં કહે કે ભાઈ તને સારું થાય તો અવશ્ય ધર્મ આરાધન કરવામાં હું વિઘ્ન નહીં પાડું. એ ઉપરથી સ્પષ્ટ આ સ્વાર્થ, સંસારનું સ્વાર્થપણું તાદૃશ્ય બતાવે છે. અને તે પ્રત્યક્ષ રીતે અનુભવવામાં આવી જાય છે. છતાં આ જીવને તેનો વિચાર કેમ નહીં આવતો હોય ? વિચારો.’