________________
૭૮
સમાધિમરણ
કૃપાળુદેવના પત્રથી શ્રી ખુશાલભાઈના ભાવ ફરી ગયા પૂજ્યશ્રી-ખુશાલભાઈ, અંબાલાલભાઈના સાળા હતા. એ વિશેષ બીમાર હતા તેથી અંબાલાલભાઈ ત્યાં ગયા અને ખબર પૂછી. બીજા તો બધા જતા રહ્યા પણ અંબાલાલભાઈ ત્યાં થોડીવાર બેઠા. સાધારણ જીવો ખબર પૂછવા જાય અને એક મુમુક્ષુ જાય તેમાં ઘણો ફેર છે. અંબાલાલભાઈ ત્યાં બેઠા અને ખુશાલભાઈના ભાવ કેવા રહે છે, તે જોવા લાગ્યા. ખુશાલ-ભાઈને યુવાન સ્ત્રી હતી અને પુત્રો હતા. એઓ જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈની દ્રષ્ટિ જાય.
અંબાલાલભાઈને થયું કે એમનો થોડા દિવસમાં દેહ છૂટી જશે અને એમના ભાવ તો એવા રહે છે. એમનું હિત થાય એવું કંઈક કરવું. પછી એ ઘેર ગયા અને તેમને સમજવા માટે વિસ્તારથી મોટો કાગળ લખીને મોકલાવ્યો. સાથે કૃપાળુદેવને કાગળ લખ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર ખુશાલભાઈ ઉપર લખ્યો. પછી “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું;” એ ભાવ એમને દ્રઢ થઈ ગયો. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, કદી નાશ પામવાનો નથી એમ રહે તો રાગદ્વેષ ઓછા થાય. આત્માનો દેહ નથી. સ્ત્રીપુત્રાદિ પણ આત્માનાં નથી. આ તો બધાં લફરાં વળગ્યાં છે. જે જ્ઞાનીએ કહ્યો છે તે માર્ગે મારે વૃત્તિ રાખવાની છે એમ રાખવું. કંઈક વૈરાગ્ય હોય તો બીજેથી વૃત્તિ ઊઠી આત્મા ભણી જાય. સપુરુષ પ્રત્યે પ્રીતિ છે અને તેમના વચન પ્રત્યે પ્રીતિ છે, તે હિત કરનાર છે.” (બો.૨ પૃ.૨૯૭)
શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને પોતાના સાળા ખુશાલદાસની તબિયતના સમાચાર જણાવે છે – શ્રી ખુશાલદાસને પરમકૃપાળુદેવના દર્શન અને
સ્મરણની ભાવના
બીજા જેઠ વદી ૧૧, ૧૯૫૨ ભાઈ ખુશાલદાસની તબિયત વિશેષ વૃદ્ધિને પામતી જાય છે. શ્વાસની ઉત્પત્તિ થયેલી છે અને ઉઠવા બેસવાની શક્તિ નથી. સોજા આવ્યા છે. બોલાતું નથી. તેમ ખવાતું નથી. અસાધ્ય રોગનું વેદન કરે છે. આયુષ્ય સ્થિતિ હોય તો બચવા સંભવ છે. એમના સમીપમાં કીલાભાઈનું રહેવું થાય છે. સ્મરણ રહેવા વારંવાર જણાવે છે.”
બીજા જેઠ સુદ ૧૫, શુક્ર, ૧૯૫૨
સુજ્ઞ ભાઈ ખુશાલદાસના શરીરે એક માસ થયા ક્ષય રોગ વિશેષ પરિણમ્યો છે. તેમની વૃત્તિ ઠીક રહી છે. આપ સાહેબના પવિત્ર દર્શનની ઇચ્છા રાખે છે અને સ્મરણ રાખ્યા કરે છે. નમસ્કાર લખવાનું કહેવાથી લખું છું.”