________________
૩૨૭
અર્થ :- હે પ્રભુ! આપ અમારા અંત સમયે એટલે દેહત્યાગના સમયે જરૂર વહેલા વહેલા પધારજો. આપનું શ્રીમદ્ સદ્ગુરુ નામ છે, તેને હું મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ મારા હૃદયમાંથી ન્યારું કરીશ નહીં; અને સહજાત્મસ્વરૂપી એવા આપ પ્રભુના ધ્યાનમાં કે આજ્ઞામાં જ રહીશ. માટે મારા અંતસમયે તો હે નાથ! આપની મનને હરણ કરનાર એવી શુદ્ધ ચૈતન્યમય મંગળમૂર્તિના મને સાક્ષાત્ દર્શન કરાવજો, અર્થાત્ મને અંત સમયે શુદ્ધ આત્માનું ભાન આપી સમ્મદર્શનની પ્રાપ્તિ કરાવજો; એવી મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
વિકટ સમય સાચવજો વ્હાલા, કહું કોટિ કરી કાલાવાલા;
આવી દીનદયાળ દયા દરશાવજો રે –અમને. અર્થ :- મરણનો સમય ઘણો વિકટ હોય છે. માટે તે સમયે મારી આપ જરૂર સંભાળ લેજો. એના માટે હું કોટિ એટલે અનેક પ્રકારે કાલાવાલા કરીને આપને આ વિનંતી કરું છું. માટે હે દીન ઉપર દયા કરનાર એવા દીનદયાળ પ્રભુ! આપ મારા મરણ સમયે આવીને, મારા ઉપર દયા દર્શાવી, મારું મરણ સુધારવાની અવશ્ય કૃપા કરજો.
વસમી અંત સમયની વેલા, હારે ધાજો વ્હાલા વ્હેલા;
પ્રણતપાળનું પહેલા પણ પરખાવજો રે–અમને અર્થ - હે નાથ! અંતસમયની વેળા ઘણી વસમી હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે આપ જાણો જ છો. માટે મારું મરણ સુધારવા આપ વહેલા વહેલા મારી હારે ધાજો - એટલે મારી સંભાળ લેવા આપ ઘણી જ તાકીદથી આવી રહેજો. કેમકે આપ પ્રણતપાળ છો અર્થાત્ ભક્તજનની પહેલી રક્ષા કરવી એવો આપનો પણ એટલે પ્રણ અર્થાત્ પ્રતિજ્ઞા છે. તે મને પણ પરખાવજો અર્થાત્ મને પણ તે બતાવી આપી મારું પણ કલ્યાણ કરજો. આપ મારા પરમોપકારી પ્રભુ છો, માટે અંત સમયે આપ જરૂર વહેલા વહેલા પધારજો.
મરકટ જેવું મન અમારું, તત્ત્વતઃ તોડે તાન તમારું;
અંતરનું અંધારું સદ્ય સમાવજો રે–અમને અર્થ - હે નાથ! અમારું મન તો મરકટ એટલે વાંદરા જેવું અત્યંત ચંચલ છે. તે હમેશાં આ સંસારમાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને તેને લઈને કષાયના જ વિચારો કર્યા કરે છે. તેમાં જ મન આસક્ત થઈને રહે છે. તે વિષયકષાયની તાન એટલે તલ્લીનતાને આપનું બાંધેલું તત્ત્વ એટલે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવનારું એવું આપનું જ્ઞાન, તોડી નાખે છે. અર્થાત્ સંસાર પ્રત્યે રહેલી આસક્તિને તોડી નાખી આત્મજ્ઞાન પ્રત્યેની રૂચિને વધારે છે. માટે હવે સદ્ય એટલે જલ્દીથી આપના જ્ઞાનબળે અમારા અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને શમાવી મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવજો. અને એના માટે જ આપ અમારા અંત સમયે જરૂર વહેલા વહેલા પધારજો.
દેજો દર્શન જનમનહારી, પરમકૃપાળુ બિરુદ વિચારી;