________________
૩૨૬
સમાધિમરણ
નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એ ભાવ ટકાવી રાખજો.
એ ભાવને ભૂલી, દેહભાવ કે વેદનાના ભાવમાં જઈ, કે કુટુંબના મોહમાં તણાઈ જઈને પાછી પાની કરશો નહીં; પણ જરૂર પડ્યે ગુરુરાજ પરમકૃપાળુદેવ પોતાની પાસે જ છે એમ ભાવના ભાવજો. મંત્ર છે તે પરમકૃપાળુદેવનું જ સ્વરૂપ છે. અને મૂળ સ્વરૂપે જોતાં પોતાનું પણ એ જ સ્વરૂપ છે. એમ માની સમતાને ધારણ કરજો.
જો વેદનાના સમયમાં સમતા, સહનશીલતા, ક્ષમા અને ધીરજ રાખશો તો સમાધિમરણ કરાવવામાં તે મિત્રો સમાન તમને સહાય કરશે. અને તમારું મન તો પરમકૃપાળુદેવના ચરણમાં કે સ્મરણમાં જ રાખશો. ૪
કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહો, જાગૃત રહો!
સદ્ગુરુશરણે હૃદય રાખી, અભય આનંદીત હો! પ” અર્થ - આ સંસારમાં કોઈ કોઈનું નથી. બધા ઋણ સંબંધે આવી મળ્યા છે. લેણાદેણી પૂરી થયે બધા સંબંધ છૂટી જશે. બધા મારા આત્માને પ્રતિબંધરૂપ છે. મને સંસારમાં ખાળી રાખ- નાર છે, કર્મ બંધાવનાર છે. જ્યારે હું તો નિશ્ચયનયે અસંગ છું, કર્મોના બંધનથી રહિત છું. તો હવે સર્વ પ્રતિબંધને ટાળી, મારી અસંગ દશાને જ પ્રાપ્ત કરું જેથી ફરી જન્મમરણનો ફેરો રહે નહીં. - હવે અસંગદશાને પામવા સ્વચ્છંદ છોડી શુદ્ધભાવે ગુરુ આજ્ઞાનું પાલન કરું અને સર્વ આત્મામાં સમવૃષ્ટિ દઈ, બધા આત્માઓ પ્રભુ જેવા છે, શુદ્ધ આત્મા છે એમ માની રાગદ્વેષના ભાવોનો ત્યાગ કરું.
અનાદિકાળથી પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. માટે હવે ઉપયોગને આત્મભાવમાં રાખી, સ્મરણમાં રાખી દુશ્મન એવા પ્રમાદને હણી, સદા જાગૃત રહું.
તથા મારા હૃદયમાં સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણ રાખી, મરણ પ્રસંગે પણ નિર્ભય રહું અને સદા આનંદમાં રહું. કેમકે મરણ મને છે જ નહીં, હું તો પરમકૃપાળુદેવે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું, સહજાત્મસ્વરૂપ છું; તો મારે હવે ફિકર શાની?
ફિકરના ફાંકા મારી હવે તો સદા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના રટણમાં જ નિશદિન રહું જેથી સમાધિમરણને પામી આ ભવે મારા આત્માનું કલ્યાણ થાય.
અંત સમય ઉપકારી વ્હેલા આવજે
અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુ નામ તમારું, પ્રાણ જતાં પણ ન કરું ન્યારું;
મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રેઅમને.