________________
૧૪૬
સમાધિમરણ
ચારગતિમાં અનંત દુઃખ ભોગવવાનું મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિ “પવિત્ર આત્મા ભાઈશ્રી....
અનંત કાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે. તે ભોગવતાં દેહાત્મબુદ્ધિનાં કારણથી તેને વિશેષ ક્લેશ થયા કરે છે, અથવા તે દુઃખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે. અને જે અશાતા અત્યારે ભોગવે છે તેથી અનંતગણી નવીન અશાતા ઉત્પન્ન કરે એવા પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે. અનંતકાળથી મહા મોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે. એ ઇચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ધનાદિને વિષે લોભ અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે. પણ કોઈ વખતે એને સાચા સદ્ગુરુનો સંયોગ થયો નથી. અથવા થયો હશે તો તેની રૂડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. જો આરાધી હોત તો આવી અશાતાનું કારણ થાત નહીં.” વેદનાને સમતાએ ભોગવી એક “સહજાત્માસ્વરૂપ પરમગુરુ'નું જ ધ્યાન કરવા યોગ્ય
“હજુ પણ જો આ જીવ સમજે અને ઉદય આવેલા કર્મને વિષે સમભાવ રાખી નિરંતર સપુરુષનું આપેલું સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નું ઉત્કૃષ્ટા પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વકર્મનો અભાવ થઈ પરમ શાંત થવાનો વખત છે. આ જીવને જે જે કર્મો બંધાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યા છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે. તે પોતાના કરેલાં કર્મ જાણી વિચારવાનું કે મુમુક્ષુ જીવ ઉદય આવેલા કર્મોમાં સમતા રાખે છે. અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે. માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપના માટે વિશેષ લખવાનું હોય નહીં.”
જગતમાં સૌ સ્વાર્થના સંબંધ છે માટે આત્મભાવના ભાવવી જેમ બને તેમ અશરીરપણે આત્મભાવના ભાવી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દ્રઢત્વ કરી, સગાં, કુટુંબી, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે, પુત્રરૂપે કે ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે; કોના ઉપર સ્ત્રીભાવ, પુત્રભાવ કે ભાઈભાવ કરું? એવું વિશેષ વિશેષ દ્રઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ-સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો. મને એમ સમજાય છે અને સર્વ જ્ઞાની, સદગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે. અને તેથી આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે.”