________________
૧૪૪
સમાધિમરણ
મારા હૃદયમાં એક પરમકૃપાળુદેવ જ છે
“એટલે મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીએ જણાવ્યું કે તે જ રાખવા યોગ્ય છે. પછી અધૂરો પત્ર પૂરો વંચાઈ રહ્યા પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ સમાધિશતક'ની ગાથા ઉપરથી અંત વખતને યોગ્ય દેહ અને આત્માના ભિન્નપણા વિષે તથા સહનશીલતા રાખી હિમ્મત નહીં હારવા વિષે પુરુષાર્થ અને ધીરજ પ્રેરક અપૂર્વ બોધ વરસાવ્યો. આમ આત્માને અપૂર્વ જાગૃતિ આપીને ઊઠ્યા એટલે શ્રી રવજીભાઈએ તેમના ધર્મપત્નીને જણાવ્યું કે કાંઈ અજબગજબ થયું છે! એટલે છેલ્લે બોલી પાંચ મિનિટની અંદર દેહનો ત્યાગ કર્યો.
આવું એ સમાધિમરણ જે થયું તે મહત્પષ્યનો ઉદય સમજવો. તેના દેખનારનું તથા તે સમાગમમાં રહેનાર જીવોનું પણ મહા ભાગ્ય ગણાય. તેમના સમાધિમરણની છાપ આશ્રમવાસી સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને કાંઈ અપૂર્વ પડી હતી. અને સર્વ જણાવતાં હતાં કે આવો અપૂર્વ દેખાવ તો અમે પહેલવહેલો જ જોયો. અહીં વિશેષ શું લખાય? આ સમાધિમરણ સંબંધી જેના હૃદયમાં આ દેખાવની છાપ પડી હતી તે તાદ્રશ છાપ દીર્ઘકાળ સુધી રહે તેમ છે. આ સંબંધી અત્રે જે કંઈ લખાણ થયું છે તે યત્કિંચિત લખાયું છે. કારણ કે તે અપૂર્વ ભાવો લખાણમાં આવી શકે નહીં. મૂંગાએ ખાધેલા ગોળની પેઠે તે વેદન સમીપવાસી ભાગ્યવંત જીવોને થયું હતું. અને તેમના હૃદયમાં અપૂર્વ ભાવે તે રહ્યું હતું. (ઉ.પૃ.૭૧])