________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૨૧ આત્માને મૃત્યુ છે જ નહીં, જે આવે તે જવાને માટે “અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહો. સર્વ વસ્તુ સંકલ્પ-વિકલ્પમાં આવે છે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત્ હર્ષશોક કરવા જેવું નથી. કોઈ વાટે ખોટ જાય તેવું નથી. કાંઈ અડચણ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રનો નાશ થવાનો છે; તેવો અવસર છે. રોગ હોય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. બેય હાથમાં લાડુ છે. મૃત્યુ તો છે જ નહીં. સમતા, ધીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હોય તેટલું આવે; તે બધાનો નાશ થશે અને આત્માની જીત થશે–નક્કી માનજો. હિમ્મત હારશો નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતો નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૬૫)
અમૂલ્ય એવા આત્માની શ્રદ્ધા મરણ વખતે રહે તો સમાધિમરણ થાય
“આટલી ઉંમર થઈ ત્યાં સુધી માબાપ, સ્ત્રીપુત્ર, ધન, મકાન, આહાર આદિ અનેક પ્રકારના પ્રસંગો, સંજોગ આવ્યા તે બધા દીઠા; પણ કોઈ સ્થિર રહ્યા નથી. તેમ આ ભવમાં જે જે પુદ્ગલની રચના જોવાની હશે તેટલી બધી દેખાશે–સુખરૂપે કે દુઃખરૂપે; પણ તે કોઈ કાયમ રહેનાર નથી, બધી ચાલી જવાની છે. મોટા મોટા રામ-રાવણ, કૌરવ-પાંડવ, યાદવ એમાંના કોઈ અત્યારે નથી, સર્વ ચાલ્યા ગયા; તો આ ભવમાં જે સુખદુઃખ આવે છે તે કયાં રહેનાર છે ? બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું ? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો છે, એ નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તોપણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કીમતી આ કામ કરવા યોગ્ય છે. સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા યોગ્ય છેજી. ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર' એની પેઠે નિશ્ચિંત થઈ જવાય એવું છે. સપુરુષાર્થ કર્તવ્ય જી.” (ઉ.પૃ.૧૩૧)