________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૮
ઉપર પ્રમાણે કરી આપ્યા પછી કહ્યું કે તમે જેના ઉપર આસ્થા રાખો છો તે પ્રમાણે તેઓ સિદ્ધિ પામ્યા નથી. તો તમને લાભદાયક શું થશે?
નિર્ધન તે ઘનાઢ્ય ક્યાંથી બનાવે? વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? એ શબ્દો કહી “આ આસ્થા ઉપયોગી નથી.” ખરી આસ્થા અરિહંત, જિનેશ્વર ભગવાન ઉપર રાખવી જોઈએ. તે માટે તમને એક પ્રબંધ કરી આપીશું. તેના ઉપર આસ્થા રાખી તેમની સ્તુતિ, સ્મરણ કરજો. એમ સૂચવી એક પ્રબંધ બનાવી આપ્યો હતો તે પણ અસલરૂપે વિદ્યમાન છે. તેમાં નીચેનું કાવ્ય ગોઠવેલું છે. (આ પ્રબંઘ “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાં પૃષ્ઠ ૩૦ ઉપર છે.)
(અંતર્ગત-ભુજંગી છંદ) “અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે! દુઃખહારી.”
(કર્તા તથા પ્રયોજન - ઉપજાતિ) “વવાણિયાવાસ વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોઘ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે.”
(પ્રયોજન પ્રમાણિકા) “વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના;
રચ્યો પ્રબંઘ ચિત્તથી, ચતુરભુજ હિતથી.” આ પ્રબંઘમાં દ્રષ્ટિદોષ, હસ્તદોષ કે મનદોષ દ્રષ્ટિગોચર થાય તો તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. હું છું.
- રાયચંદ રવજી પ્રથમનું છોડી જિનેશ્વરની આસ્થા વધી ઉપર પ્રમાણે પ્રબંધ કરી આપ્યો, ત્યારથી સૂચના મુજબ જિનેશ્વર ભગવાન ઉપર આસ્થા વધી અને પ્રથમ જે કરવામાં આવતું તે છોડી દીધું. એમ પ્રથમ બોઘ બીજ મારામાં દાખલ કર્યું એમ હું માનું છું.
પૂર્વના સંબંધે પાણિગ્રહણ સંવત્ ૧૯૪૨-૪૩ની સાલમાં કૃપાળુશ્રીનું વેવિશાળ મોરબીમાં મહેતા પોપટલાલ જગજીવનને ત્યાં થયું. સગપણ કરવા સંબંધી વાતચીત કરતા પહેલાં તેમણે અભિપ્રાય માગ્યો હતો, તે એમ સમજી કે તે સંસારી થશે કે કેમ? એ સવાલ હતો. તેના જવાબમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે એકાદ બે-ઠેકાણે વાત ચાલે છે. તો થોડા વખતમાં નક્કી થઈ જશે. ત્યારપછી થોડા મહિનામાં ઉપર જણાવેલ ઠેકાણે સગપણ થયા બાદ મળવાનું થયું ત્યારે તે સંબંધી જણાવવામાં આવ્યું હતું કે સગપણ કરવામાં ઉતાવળ કરી છે. થોડા મહિના ખમ્યા હોત તો આ કરતાં પણ સારા ઠેકાણાની કન્યા મળી શકત. તેના જવાબમાં કૃપાળુશ્રીએ કીધું હતું કે શ્રી આમરણના એક શ્રીમંત કન્યાની વાત આવી હતી, છતાં આ સાથે પૂર્વના સંબંધે પાણિગ્રહણ થવાના નિમિત્તે અહીંનું જ કબૂલ રાખ્યું છે. બે-એક વર્ષ પહેલાં આ કન્યા માટે વવાણિયાના વોરા ગોપાળજીએ વાતચીત ચલાવતાં તેના વડીલોએ જણાવેલું કે અમે દફતરી જેવા મોટા કુટુંબના અને શહેર નિવાસી, તે ગામડામાં કન્યા કેમ આપીએ? પણ આ જગ્યાએ જ શહેરમાં અને સારા જથ્થામાં વેવિશાળ થયેલ છે.