________________
૩૫
શ્રી ચત્રભુજ બેચર મહેતા
જેતપુર પૂજ્યશ્રી રાયચંદભાઈ પ્રત્યે મને પૂજ્યભાવ ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયો તે બતાવું છું. તે પહેલા તેમની સાથેનો મારો વ્યાવહારિક પ્રસંગ જણાવું છું.
તેર વર્ષની ઉંમરે વૈરાગ્યમય વર્તન મારો સંસારી સંબંઘ કૃપાળુશ્રીની વડીલ બહેન શિવકુંવર સાથે થયો હતો. મારું લગ્ન તેમના વડીલ બહેન સાથે પંદર વર્ષ અને છ માસની ઉંમરે સંવત્ ૧૯૩૭ના માગસર વદ ૧૦ સોમવારે થયું હતું. તે વખતે કૃપાળુશ્રીની ઉંમર તેર વર્ષની હતી. તે વખતે તેમનું વર્તન વૈરાગ્યમય જણાતું હતું. બેઠકના ભાગમાં બેસી દરેક વખતે પુસ્તકો વાંચતા હોય તેમ દેખાતું હતું.
સ્ત્રી નીતિ બોઘક સંવત્ ૧૯૩૮ની સાલમાં જેતપુર પઘારવાનું થયેલું, તે વખતે તેમણે “સ્ત્રી નીતિ બોઘક” નામની ચોપડીઓ છપાવેલી હતી. તે સાથે લાવેલ હતા. અગાઉથી ગ્રાહક તરીકે પાંચ પ્રતો ભરાવેલી તે આપવામાં આવી હતી.
અવઘાનની ચમત્કારિક શક્તિ સંવત્ ૧૯૩૯-૪૦ની સાલમાં મોરબી લેવડ-દેવડના કામ પ્રસંગે જવું આવવું થતું ત્યારે તેઓશ્રીને મળવાનું થતું. કવિત્વશક્તિ અને તે સાથે અવઘાન કરવાની શક્તિ જોઈ, યાદદાસ્ત ઘણી જ તીવ્ર જણાતી, આ સમયે અંગ્રેજીનો અથવા કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આગળ ઉપર ઘણો લાભ મેળવી શકે એમ ઘારી તે અભ્યાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેના જવાબમાં અંગ્રેજી અભ્યાસ કરવાની પોતે અપ્રિયતા બતાવી હતી અને કાયદાનો અભ્યાસ કરવાની ઇચ્છા બતાવી હતી. થોડા વખતમાં રાજકોટ જવું છે અને ત્યાં શરૂઆત કરવી છે, પણ તરતમાં રાજકોટ જવાનું થયું નહોતું. કારણ કે તે વખતે અવઘાનશક્તિ ઉપર વિશેષ લક્ષ જણાતો હતો અને એવી ચમત્કારિક શક્તિની ખ્યાતિથી જામનગર વગેરે સ્થળેથી આમંત્રણ આવવાથી ત્યાં જવું થયું હતું. અને સારી સારી ભેટો પણ ઈનામરૂપે તેમને આપવામાં આવી હતી.
અષ્ટાવઘાન કરી બતાવ્યા સંવત્ ૧૯૪૧ની સાલમાં મોરબીથી દલાલ હરિભાઈ ભાયચંદભાઈની સાથે તેઓ જેતપુર આવ્યા હતા. આ વખતે જેતપુરમાં કૃપાશંકર હરિશંકર નામના નાગર જે મહાલકારીની જગ્યા ઉપર હતા. અને થાણેદાર નંદલાલ બાપુજી હતા. તેમના તથા તેઓના સ્ટાફના માણસોના આગ્રહથી તેમને અષ્ટાવઘાન કરી બતાવવા વિનંતી કરવામાં આવી હતી. તે કબૂલ રાખી બીજે દિવસે નિશાળની મેડી ઉપરના ભાગમાં સભા કરી હતી. મહાલકારી સાહેબ પ્રમુખપદે હતા. ત્યાં અષ્ટાવઘાન કરી બતાવ્યા હતા. તેમાં જુદા જુદા વિષયોની જુદા જુદા રાગમાં માંગવામાં આવેલી કવિતાઓ અસરકારક અર્થવાળી શીઘ્રતાથી કરી આપવામાં આવી હતી. આ નાના ગામની સભામાં લગભગ સો-એક માણસો ભેગા થયા હતા, તે બઘા આ જોઈ છક થઈ ગયા હતા. આ પ્રસંગના કાવ્યો અને કૃતિના કાગળો બઘા સાચવી રાખેલા હતા, જે