________________
૩૯૧
શ્રી મંગળદાસભાઈ
ભરૂચ શ્રી ભરૂચવાળા ભાઈશ્રી મંગળદાસભાઈને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે સંવત્ ૧૯૫૯ના વૈશાખ વદ ૪ના દિને ઉતારો કરાવેલ છે.
અવઘાનની અતિશય જ્ઞાનશક્તિ શ્રી પરમકૃપાળુદેવ સંવત્ ૧૯૪૬ના ચોમાસામાં ભરૂચ પઘારેલા. ત્યારે શા. અનુપચંદભાઈ મલકચંદભાઈને ત્યાં ઊતર્યા હતા. તે વખતે મુનિ વીર વિજય તથા મુનિશ્રી કાંતિવિજયજીનું ચોમાસું અહીં હતું. હમેશાં પરમકૃપાળુદેવ સાથે ઘર્મચર્ચા ચાલતી હતી. એક વખત ત્યાં પરમકૃપાળુદેવે અવઘાન કર્યા હતા. કેટલા કર્યા તેની સ્મૃતિ રહેલ નથી. આશરે દશ-પંદર કર્યા હતા. તે વખતે હું હાજર હતો. અવઘાનમાં એક અંગ્રેજી શબ્દો મેં લીઘા હતા. અવઘાન કર્યા પછી મને લાગ્યું કે આ અતિશય જ્ઞાનશક્તિ છે; કારણ કે ભાષાનું જ્ઞાન તેઓને અંગ્રેજીનું નહોતું, છતાં તેના શબ્દો બરાબર રીતે અવઘાન કર્યા ત્યારે કહી બતાવ્યા હતા.
પરમકૃપાળુદેવ ખોરાક ઘણો જ ઓછો વાપરતા કેટલાક માણસોના તથા મારા અને મારા ભાઈના જન્માક્ષર કરી આપ્યા હતા. અમારે ઘેર જમવા પઘાર્યા હતા. ખોરાકમાં દૂઘ, પુરી અને શાક જમ્યા હતા. ખોરાક ઘણો જ ઓછો વાપરતા હતા. તેઓશ્રીની જ્ઞાનશક્તિ ઘણી જ તીવ્ર લાગતી હતી. અમો અચંબો પામતા હતા કે આ સઘળું શી રીતે સ્મૃતિમાં રહેતું હશે?
પરમકૃપાળુદેવે મુનિશ્રીને જણાવેલ કે ખાટા, ગળ્યા તથા ચીકણા પદાર્થો વિશેષ ખાવા નહીં. તેઓશ્રી દેરાસરમાં પઘાર્યા હતા. ત્યાં અનંતનાથ ભગવાનની સ્તુતિનો શ્લોક બોલ્યા હતા.
પરમકૃપાળુદેવનો પ્રથમ સમાગમ થયો તે જ વખતથી તેઓશ્રી જ્ઞાની પુરુષ છે એવો ભાસ થયો હતો, અને હાલ પણ તેવી જ શ્રદ્ધા છે.
શ્રી સુખલાલ છગનલાલ સંઘવી
વિરમગામ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ ભક્તિભાવ પ્રગટ્યો પૂજ્યશ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત શાંતગુણ ગંભીર હતા. પૂર્વ સંસ્કારના બળથી શ્રી સુખલાલભાઈને શ્રીમદ્જીના દર્શન થતાં જ આજ સયુરુષ છે, પરમેશ્વરતુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો. વિરમગામમાં તે મીલમાં નોકરી કરતા હતા. પરમકૃપાળુશ્રી તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુ શ્રી સુખલાલભાઈએ તેઓશ્રીનો બોઘ તથા સત્સમાગમનો અપૂર્વ લાભ લીઘો હતો. રસાસ્વાદનો તેમણે ત્યાગ કર્યો હતો. વચનામૃત પત્રાંક ૯૫૨, ૯૫૩ શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલ છે. ભરૂચ મીલમાં તે નોકરી છેવટના વર્ષો સુધી કરતા હતા.