________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૯૦ ઉત્તર: “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.”
સત્યવક્તા જેવી વાણી ઉપર મને શ્રદ્ધા થઈ
તેમનું કહેવું મને સત્યવક્તાના જેવું લાગ્યું, અને તેમના બોલવા ઉપર મને શ્રદ્ધા થઈ. તે સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે, જીવો અનેક છે, કર્મ છે, પુનર્જન્મ છે, વગેરે બાબતો તેઓ અનુભવથી માનતા હતા. આત્માઓની અભેદતા અને માયિક ઈશ્વરનું અસ્તિત્વ એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા.
મારી વચનકાયા સ્થિર થઈ જાઓ એવી શ્રીમદ્જીની ભાવના બીજે પ્રસંગે હું ગયો ત્યારે શ્રીજી એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી જ શાંત જણાતી હતી. પુસ્તકમાંથી એક શ્લોકને વારંવાર કહી બતાવ્યો. તેનો ભાવાર્થ એવો હતો કે, મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જુ શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એના શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય. આ પ્રસંગ સમજાવતાં તેમને ઘણો જ આનંદ આવતો હતો. અને તે વાત તેમણે વારંવાર વાંચીને મને સમજાવી. એ રીતે પુસ્તક વાંચવાનો અને મૃગનું દ્રષ્ટાંત સમજાવવાનો પ્રસંગ ચાલતો હતો–દરમ્યાન બંગલાના માલિક રા.બા.નરસીરામ આવ્યા. હું પણ તેમના જ એક મકાનમાં ઘણા વરસથી રહું છું. તેથી તેમની સાથે મારે ઘણો પરિચય હતો. તેઓ વેદાંતી હતા.
શ્રીમદ્જીએ મૌન રહેવું યોગ્ય ઘારી સામાને જ બોલવા દીધું શ્રીમજી પણ વેદાંતમાં માનતા હશે એમ ઘારી તેમણે તે પ્રસંગે આત્માના અભેદ સંબંધી વાત કાઢી અને અભેદતા ઉપર વિવેચન કરવા માંડ્યું. હું તરત જ જોઈ શક્યો કે એ વાત શ્રીમદ્ માન્ય નથી, તેથી જરા સ્મિત કરીને તેઓ મારા સામું જોઈ રહ્યા. હું પણ તેમનો આશય સમજી તેમના સામું જોઈ રહ્યો. ન તો શ્રીમદ રા.બા.ના કહેવાને અનુમોદન આપ્યું કે ન કાંઈ ના કહી, પણ ચૂપ જ રહ્યા. મને સ્પષ્ટ લાગ્યું કે જે વૃદ્ધ પુરુષના બંગલામાં તેઓ ઊતર્યા હતા તેમને માઠું લાગે તેવું કાંઈ ન બોલાય તો સારું, એવો તેમનો ભાવ જણાતો હતો. અને હું પણ એ જ મતલબથી કાંઈ બોલ્યો નહીં. અને રા.બા.ને પોતે જે બોલવું હોય તે બોલવા દીધું.
ખાનગી પ્રશ્નોનો ઉકેલ છેવટે જ્યારે ખેડેથી વિદાય થવાના હતા ત્યારે તેમની સાથે ખાનગી વાતચીત કરવા કેટલાક પ્રશ્નો લખીને ગયેલો. તે પ્રશ્નો વાંચી જોયા અને બોલ્યા કે અધિકાર પ્રમાણે જવાબ આપીશ. તેના જવાબ આપ્યા પછી તેમણે કહેલું કે, હાલ આ વાત કોઈને કહેવી નહીં.
કોઈની સાથે સ્નેહ બાંઘવો પસંદ નહીં, કેમકે કલ્યાણમાં તે વિક્ષેપરૂપ તેઓશ્રી ઘણી જ શાંત પ્રકૃતિના હતા. તેમને કોઈની સાથે સ્નેહ બાંઘવો બિલકુલ પસંદ ન હતો. કેમકે સ્નેહ એક જાતનો વિક્ષેપ છે, તેથી તેનાથી બહુ ડરતા. તેઓ સત્યવક્તા હતા. તે તો તેમના વચનથી જ હૃદયમાં ખાતરી થઈ જતી હતી. તેમના સમાગમથી મને પ્રથમ શ્રદ્ધા થઈ કે આત્મા છે, અને તે જાણવા પ્રયત્ન કરવો જોઈએ.