________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૦૨
ભાઈ શ્રી અંબાલાલભાઈના પત્ર ભેગો આવ્યો હતો. તેમાં યથા અવસરે સમાગમ થશે એમ જણાવ્યું હતું.
હું સદ્ગુરુ તરીકે પરમકૃપાળુદેવને માનવા લાગ્યો પછી હમેશાં રાતના ભાઈશ્રી અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈ તથા ભાઈ શ્રી સુંદરલાલ વગેરે ભાઈઓ ભેગા થતા અને પરમકૃપાળુદેવના પત્રો આવે તે વાંચતા અને મને પણ તે તમામ પત્રો વંચાવતા. તેથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે વિશેષ પ્રેમ થતો ગયો. ત્યારથી હું સદ્ગુરુ તરીકે પરમકૃપાળુદેવને માનવા લાગ્યો.
સાપ જેમ કાંચળી છોડીને ચાલ્યો જાય તેમ ચાલતા થયા સં.૧૯૪૮ના માગસર સુદ ૧ના દિવસે કૃપાળુદેવનું આણંદ પઘારવું થયું. ત્યાં આવવા આજ્ઞા મળેલી. તેથી અમે પંદરેક મુમુક્ષુઓ સાથે ગયા હતા. કૃપાળુદેવ રાતના મેલમાં પઘાર્યા. ટ્રેન આવી કે તુરત એકદમ ડબ્બામાંથી ઊતરી કંઈ પણ ભલામણ કર્યા વિના સાપ જેમ કાંચળી છોડીને ચાલ્યો જાય તેમ ચાલતા થયા. પછી અંદર જે પુસ્તકોની પેટી હતી તથા સરસામાન લેવાનો હતો તે ભાઈ શ્રી અંબાલાલભાઈ તમામ સરસામાન લાવ્યા હતા. તે વખતે તેમની દશા જોઈ મને બહુ ચમત્કાર લાગ્યો હતો. તેમણે શ્વેત વસ્ત્રો પહેરેલા હતા. તેમની મુખમુદ્રા અતિ વૈરાગ્યવાન અને શાંત જોઈ અમો બધાએ સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા, પણ કૃપાળુદેવે સામું પણ જોયું નહીં.
પછી જ્યાં પ્રેમચંદ રાયચંદની ઘર્મશાળા છે ત્યાં ઉતારો કર્યો. ઘર્મશાળામાં ડાબા હાથ ભણીની ઓરડીમાં બિછાનું પાથરેલું હતું ત્યાં બિરાજ્યા હતા. એક કલાક સુધી પોતે કંઈ પણ બોલ્યા વિના શાંત મુદ્રાએ બેસી રહ્યા હતા. અમે પણ સામા બેઠેલ હતા પણ કોઈને કાંઈ પૂછ્યું નહીં કે તમને કેટલા જણ આવેલા છો. તે વખતનો દેખાવ ઘણો જ વૃદ્ધ પુરુષ જેવો જોવામાં આવ્યો હતો, તેથી એમ કલ્પેલું કે પરમકૃપાળુદેવની ઉંમર પચાસ વર્ષની હશે પછી મારા મનમાં એમ થતું કે આ પુરુષ કેમ નહીં બોલતા હોય? અને મારા મનમાં પ્રશ્નો પૂછવાની શંકા હતી, પણ ત્યાં આગળ પરમકૃપાળુદેવ બીજી ઓરડીમાં ચાલ્યા ગયા. ફરી થોડા વખત પછી સાહેબજી પધાર્યા. કેટલાક ભાઈઓ રાતના અગિયાર વાગતાના સુમારમાં નિદ્રાના આવેશમાં થયેલ જણાયેલ, પણ સાહેબજી આવ્યા કે તમામ ઊભા થઈ ગયા. પછી થોડોક વખત રહીને કેટલાક ભાઈઓને નિદ્રામાં આવેલા જાણી પરમકૃપાળુદેવે બીજી ઓરડીમાં પથારી કરાવી.
મારા મનની શંકાઓનું વગર પૂછ્યું સમાધાન સવારમાં આઠ વાગતાના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે બીજી ઓરડીના ઓટલે બિરાજ્યા હતા. તે વખતે ખુશાલદાસ શ્રી ખંભાતથી આવ્યા અને ઘણા પ્રેમથી પરમકૃપાળુદેવને દંડવત્ નમસ્કાર કર્યા. પછી કેટલીક વાર અંદર ઓરડીમાં સહેજે બોઘ શરૂ થયો અને મારા મનમાં જે જે શંકાઓ હતી તે બઘાનું વગર પૂછ્યું સમાઘાન થઈ ગયું. તેથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મારા મનની વાત પરમકૃપાળુદેવે શી રીતે જાણી? એ આશ્ચર્ય લાગવાથી બહુ પ્રેમ જાગ્યો અને ત્યાર પછી મારે પ્રશ્ન પૂછવાની કાંઈ પણ ઇચ્છા રહી નહીં.
સંવત્ ૧૯૪૯ની સાલમાં ખંભાત પાસે ઉદેલ ગામે કપાળુદેવ પઘાર્યા હતા. ત્યાં ઘર્મશાળામાં ઉતારો કર્યો હતો. સાથે વડોદરાવાળા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ આવ્યા હતા.