________________
૧૯૫
શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ
પુસ્તકમાં છે તે સપુરુષના હૃદયમાંથી આવેલ છે મુંબઈમાં શ્રી કલ્યાણજીભાઈ કરીને મુમુક્ષુ આવતા હતા તે ગુણપર્યાય સંબંધી ઘણું પૂછતા. તેમનું સમાધાન થતાં તે બહુ આનંદ પામતા હતા. કેટલીક વખત ખીમજીભાઈ પણ ત્યાં આવતા હતા. ખીમજીભાઈ સંબંઘી વાત કરી હતી કે તે પૂર્વના સંબંઘી હતા. તેણે એક વખત કોઈ પુસ્તક વાંચ્યું તે ઉપરથી તેને એમ થયું કે બધું પુસ્તકમાં છે એટલે તે પુસ્તક લઈ ગિરનાર પર જતા રહ્યા. અમુક વખત ત્યાં રહી પાછા આવ્યા. આશય એ કે જીવ એમ જાણે છે કે બધું પુસ્તકમાં છે પરંતુ બધું સત્પરુષના હૃદયમાં સમાયું છે. તેમ આશય જાણવા માટે કૃપાનાથે મને (ત્રિભોવનને) કહ્યું.
એક વખત હું કોણ છું? ક્યાંથી થયો? આ ગાથાનો અર્થ કરવા આપ્યો હતો. મેં તે લખીને સાહેબજીને આપ્યો હતો. પોતે મૌન રહ્યા હતા.
જ્ઞાની પુરુષના જ્ઞાનમાં બધું જણાય એક વખતે શ્રી કૃપાળુદેવ પઘાર્યા ત્યારે ખંભાતના કેટલાંક ભાઈઓ સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી શ્રી કૃપાળુદેવ મૌન રહ્યા. અંગરખું પહેરેલું હતું અને જાણે પરમયોગી દેખાતા હતા. થોડીવાર પછી બોલ્યા કે “જ્ઞાનીપુરુષ ૫૦ કે વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણે કે આમાંથી આટલા જીવ અમુક વખતે આટલા ભવે બોઘ પામશે, જ્ઞાન પામશે અને અમુક અમુક જીવોનું આમ ગતિ વિગેરે ભવિષ્યમાં થશે ઇત્યાદિ વ્યાખ્યા કરી હતી.” શ્રી કીલાભાઈ વિગેરે હાજર હતા.
ઉપવાસ કોને પૂછીને કર્યો? એક વખત રાળજમાં બિરાજેલ. સંવત્સરીના દિવસે કેટલાંક ભાઈઓએ ઉપવાસ કરેલો અને બીજે દિવસે રાબડી વગેરે તૈયાર થઈ ગયેલ. પણ પરમકૃપાળુદેવે સવારે બોઘ શરૂ કર્યો તે નવકારશી થયા છતાં બોધ ચાલુ રાખ્યો ત્યારે પૂ.શ્રી સૌભાગ્યભાઈએ વિનંતી કરી કે સાહેબજી, આ બઘાને ઊઠવા દ્યો, કાલનો ઉપવાસ છે. ત્યારે પરમકૃપાળુદેવે કરુણા કરી કહ્યું કે કોને પૂછીને કર્યો? આજ્ઞા વગર કર્યાનું ભાન થતાં સર્વે શરમાઈ ગયા અને ઉપવાસ કર્યાનું માન ગળી ગયું.
જીવ દેહ સાથે એકમેક થઈ ગયો છે. સાહેબજી અશાળીયાનું દ્રષ્ટાંત આપતા કે અશાળીયો સેળભેળ થઈ ગયો. એક ગરીબ ભાઈનો છોકરો, નામ અશાળીયો. તેને મેળો જોવાનું મન થયું. પણ તે ભૂલકણો હોવાથી તેની માએ તેને કહ્યું લાવ, તને દોરો બાંધી આપું. જેથી તું ખોવાય નહીં. એમ કહી નાડાછડીનો દોરો બાંધી આપ્યો. પછી તે મેળામાં ગયો. ત્યાં રમત ગમ્મતમાં ફરતાં ફરતાં દોરો છૂટી ગયો એટલે ઘેર આવી તેની માને કહે કે મા, હું ખોવાઈ ગયો. ત્યારે તેની મા સમજી ગઈ કે આ ભૂલકણો છે તેથી તેને કહ્યું કે લાવ, તને દોરો બાંધી આપું. એમ સમજાવી દોરો બાંધ્યો એટલે તે કહેવા લાગ્યો કે મા, હું હવે જડી ગયો. તેમ જીવ દેહમાં સેળભેળ થઈ ખોવાઈ ગયો છે અને દેહને જ પોતાનું સ્વરૂપ માને છે.
ઉપર મુજબ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં લખ્યું છે. આ લખવામાં જે કાંઈ ભૂલચૂક હોય તે જણાવશો. જેથી બતાવનારનો મોટો આભાર માનીશ.