________________
૧૮૯
શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ
સામેથી આપવા આવે છે તો શા માટે ન લેવું? એમ ત્રણેની વૃત્તિ ફરી ગઈ. માટે સતુ યુગ અને કળિયુગમાં આ ફેર છે. બીજા પણ દ્રષ્ટાંતો આપ્યા હતા. તે મને સ્મૃતિમાં નથી.
મનની સઘળી વાત જાણનાર ખંભાતવાળા પ્રેમચંદ દેવચંદ તપાગચ્છમાં પ્રવીણ ગણાતા. તેઓ સાહેબજી પાસે ૨૫ પ્રશ્ન પૂછવાની ઇચ્છાએ આવ્યા હતા. તે વખતે સાહેબજી ઘર્મસંબંઘી બોઘ કરતા હતા. તેમાં તે ૨૫ પ્રશ્નોનું સમાઘાન થયું હતું. સાહેબજીને તે પ્રશ્ન તેઓએ પૂછ્યા નહોતા છતાં તેમના મનની શંકાઓ દૂર થઈ હતી. તેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા હતા અને કીધું કે અહો!તમે અમારા મનની સઘળી વાતો જાણી. આપને ઘન્ય છે.
મુમુક્ષુએ મુમુક્ષુની દેહ જતાં સુધી સેવા કરવી. એક વખત રસ્તામાં જતાં સાહેબજીએ મને કીધું કે “મુમુક્ષુએ મુમુક્ષુને આ દેહ અર્પણ કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.”
એક વખત સાહેબજી તથા હું સાથે ફરવા ગયા હતા. પછી ત્યાં બેઠા. સાહેબજીએ બેઠા બેઠા મને કીધું કે “શ્રી મહાવીર સ્વામી શરીરે પાતળા હતા, અને તે કાંકરામાં બેસતા હતા.”
ગુરુગમ વિના શાસ્ત્ર તે શસ્ત્રરૂપે પરિણમશે એક વખતે મારા ભાઈ છોટાભાઈએ મને કીધું કે સાહેબજી સિદ્ધાંત વાંચવાની આજ્ઞા આપે તો ઠીક. મેં સાહેબજીને ખાનગી રીતે વાત કરી. ત્યારે સાહેબજીએ કીધું કે તે “ઝેર રૂપે પરિણમશે.
તે વખતમાં જે જે બોઘ થતો હતો તેથી અમોને આનંદ થતો હતો. તે બોઘ હું પત્ર દ્વારા શ્રી અંબાલાલભાઈને લખી જણાવતો હતો એવું મને યાદ છે.
અમારા આત્માને આ દેહ શોભતો નથી એક વખતે સાહેબજી સાંજના ફરવા ગયા હતા. ત્યાં બેઠા હતા. સાથે ગાંડાભાઈ, હું તથા બીજા ભાઈઓ હતા. તેવામાં ગામની ભૂંગળ વાગી. તે સાંભળી સાહેબજી બોલ્યા કે આ ભૂંગળ બરાબર વાગતી નથી. ગાંડાભાઈએ કીધું કે આ ગામમાં દરજી વગાડે છે. સાહેબજીએ કીધું કે તેના કુળનો અભ્યાસ નથી. માટે તે તેને શોભતી નથી. તેમજ આ આત્માને દેહ શોભતો નથી. થોડીવાર પછી સાહેબજી બોલ્યા :
“સયલ સંસારી ઇંદ્રિય રામી, મુનિગણ આતમરામી રે;
મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે. શ્રી શ્રેયાંસ જિન” એ ગાથા કહી હતી અને તે ગાથાનો અર્થ ઘણો જ વિસ્તારથી કર્યો હતો. સાહેબજી બહાર ફરવા જતા ત્યારે એકલા જતા અને કોઈ ખાડામાં પદ્માસનવાળી સમાધિસ્થ થતા.
મોહની સામે થવું. એમ કરતાં જય થાય એક વખતે ભાદરણવાળા ઘોરીભાઈ સાથે સાહેબજી મોહનીય કર્મ સંબંઘી વ્યાખ્યા કરતા હતા, ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે તેની સામે થવું. એમ કરતાં જય થાય.
બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે ઘોરીભાઈએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે “ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે?”