________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૬૦
શ્રી નાનચંદભાઈ ભગવાનભાઈ
પૂના પૂજ્ય ભાઈશ્રી નાનચંદભાઈ ભગવાનદાસભાઈ પૂનાવાળાનો કૃપાળુદેવ સાથેનો
પરિચય-સમાગમ. મુંબઈમાં સારા અધ્યાત્મજ્ઞાનનાં જાણનાર શ્રીમદ્ છે સંવત્ ૧૯૫૪ના માગસર માસમાં પરમકૃપાળુદેવનો પ્રથમ દર્શન લાભ મને મુંબઈમાં થયો હતો. તે વખતે મારો પુત્ર ૨૫ વર્ષનો હદયરોગથી ગુજરી ગયો હતો. તેથી મારી અજ્ઞાનતાને લીધે મારા ચિત્તને ભ્રમતા ઉત્પન્ન થાય તેવું લાગ્યું હતું. તેનું સમાધાન કરવા સારું કોઈ પુરુષને મળવાનો મારો ઈરાદો થતો હતો. તેવામાં પૂનામાં શ્રી ચંદ્રસૂરિ પઘારેલ. તેમની પાસે હમેશાં મારે જવું થતું. ત્યાં એક દિવસ મુંબઈના શ્રી કલ્યાણજીભાઈ કચ્છી ઓશવાળ ભક્તિમાર્ગી આત્મા સંબંધી વિચાર કરવાવાળાને અને શ્રી મહારાજ સાહેબને વાતચીત ચાલતાં તેમાં મહારાજ સાહેબે કીધું કે હાલ કોઈ શ્રાવક અધ્યાત્મના વિચાર કરવાવાળો જોવામાં આવતો નથી; તે બાબતમાં જૈન ભાઈઓની મોટી ખામી જણાય છે. લોકોમાં ફક્ત ઠાલું અભિમાન અને અજ્ઞાનતા સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
તે ઉપરથી કલ્યાણજીભાઈએ મહારાજશ્રીને કહ્યું કે મુંબઈમાં એક કાઠીયાવાડી વવાણિયા ગામના શ્રાવક રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) ઉંમર ૨૫-૨૭ વર્ષની હશે. તેમનો મારે સમાગમ સારી રીતે થયો છે અને હું તેમને મારા પૂજ્ય તરીકે માનું છું. તેમને અધ્યાત્મજ્ઞાન સારું છે એમ મને લાગ્યું છે. તેથી અમે ઘણા લોકો તેમની પાસે કંઈ બોઘ મેળવવા ચર્ચા કરીએ છીએ. હજી સુધી અમારા અંતરાયકર્મને લીધે અજ્ઞાનતાથી તેમનો બોઘ અમારાથી પૂરો સમજી શકાતો નથી; માટે આપને જો જોવાની અથવા મળવાની ઇચ્છા હોય તો તેમને કોઈ પ્રકારનો અધ્યાત્મ વિષેનો શ્લોક અથવા પ્રશ્ન પૂછી કાગળ લખી જવાબ મંગાવો તો સારી રીતે સમાધાન જવાબરૂપે આપશે એવી મને ખાતરી છે.
તેથી મહારાજશ્રીએ કાગળ લખ્યો, તેનો જવાબ ચોથે દહાડે ફરી વળ્યો. પછી મહારાજશ્રીએ મને વાત કરી કે મેં મુંબઈ કાગળ લખેલ હતો તેનો ઉત્તર મને યથાયોગ્ય સમાઘાનકારક મળ્યો છે. તે સમયે મહારાજશ્રીના આનંદના અને હર્ષના ઉદ્ગારો એવા નીકળ્યા હતા કે આ પુરુષને મળવું જોઈએ.
શ્રીપૂજ્યની શ્રીમન્ને મળવાની તીવ્ર અભિલાષા પણ હું આ સ્થિતિમાં (શ્રીપૂજ્ય) છું, વડ ગચ્છના શ્રીપૂજ્યની ગાદીનો અધિકારી છું તો આપણે શી રીતે મળવા જવું અને શી રીતે કરવું? હું આ વેશથી મળવા જાઉં તો મારા અધિકારને ખામી લાગે છે, માટે તમે કહો તેમ કરીએ. મેં કીધું કે તેમને પત્ર લખીને અહીં બોલાવો તો જરૂર આવશે. મહારાજશ્રીએ કહ્યું કે એમને અહીં બોલાવવા યોગ્ય લાગતું નથી. આપણે તેમને જઈને મળવું. મારા વિચારને મળતા થાઓ તો તમે મારી સાથે એક શેઠ તરીકે અને હું મારો વેશ પલટીને (બદલાવીને) તમારી સાથે પટો પહેરીને આવું તો મને તેમની સાથે સમાગમ થવાનો જોગ આવશે. માટે તમે મારા ભેગા ચાલો. ત્યારે મેં કહ્યું કે તમોને એવી સ્થિતિમાં મારી સાથે આવવું યોગ્ય લાગતું નથી. ત્યારે મહારાજે કીધું કે તે વિચાર તમારે કરવાનો નથી, મારે કરવાનો છે. તમે તમારા ઘરેથી દુકાનના કામ સારું જાઓ અને હું અહીંયા