________________
શ્રીમદ્ અને પ્રાણજીવન દોશી
ત્યાંના રાવળભાટ વાર્તાઓ કરે ત્યારે બધા ભેગા થતા, તેને ડાયરો કહેતા. ડાયરામાં રવજીભાઈ જતા. ગરાશિયાની ડેલીએ પણ ડાયરો થાય. તેમાં રવજીભાઈ જાય. ત્યાં પણ ભાટચારણ, વાર્તાઓ – દંતકથાઓ કહેતા.
શ્રી રવજીભાઈમાં સાધુસંતો તથા ગરીબોની સેવાનો ભાવ રવજીભાઈ સાધુસંતની સેવા બહુ કરતા. ગરીબોને અનાજ કપડાં પણ આપતા. સાધુ ફકીરો ઉપર તેમની બહુ આસ્થા હતી. વવાણિયામાં એક ઓલિયા ફકીર હતા. રવજીભાઈ તેમની સેવા બહુ કરતા. તેમની પાસે દરરોજ જમવાનું તથા ગાંજો લઈ જતા. ગાંજાની ચલમ ભરીને રવજીભાઈ તે ફકીરને આપતા. આમ ઘણા વખત સુધી જતા આવતા. ઘણી વખત સારી વસ્તુ જમવાની કરીને ફકીરબાવાને માટે લઈ જતા.
ફકીરબાવાની ભવિષ્યવાણી એક વખત ફકીરબાવાએ રવજીભાઈને કહ્યું કે રવજી, કલ સવારમેં તુમ જલદી આના. રવજીભાઈએ કહ્યું કે, બાપુ, જલદી-વહેલો આવીશ. પણ બીજે દિવસે રવજીભાઈને ત્યાં મહેમાન આવ્યા. રવજીભાઈ ખૂબ મૂંઝાણા. મહેમાનને જમાડ્યા વિના કેમ જવાય? જમાડીને જઈશ તો બહુ મોડું થઈ જશે. મહેમાનને જેમ તેમ જમાડીને રવજીભાઈ ફકીર પાસે ગયા. મહેમાન માટે ચૂરમું કરેલ હતું તે ફકીરબાવા માટે સાથે લઈ ગયા. ફકીરબાવા પાસે જતાં તેમણે કહ્યું કે, “રવજી, તુમ બહોત મોડા આયા. અચ્છા રવજી, તેરેકું દો લડકા હોગા. એક બડા નામ નીકાલેગા એસા હોગા. દુસરા ભી ઠીક હોગા. દોનું લડકા તમારા ઔર ઈનકા બોત અચ્છા નામ નીકાલેગા. પણ રવજી! તુમ બહોત મોડા આયા. વખત ચલા ગયા. ઈનકા આયુષ્યમેં ફેર પડેગા. ઐસા માલુમ હોતા હૈ. રવજી, હમ અબ ઈસ દુનિયાસે ચલે જાતા હું. તુમ અબ તમારા ઘર પર જાવ. તેરા ભલા હોગા.” પછી રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરતાં ફકીરદાદા હતા નહીં. રવજીભાઈને બહુ અફસોસ થયો હતો કે હું બહુ મોડો ગયો. ૭૫ વરસનું આયુષ્ય કહ્યું હતું હવે કેટલા વર્ષનું થશે? તેનો અફસોસ બહુ કરતા હતા. પછી રવજીભાઈને ત્યાં ઉપરની હકીકત પ્રમાણે પુત્રોના જન્મ થયા હતા.
આ બધી હકીકત રવજીભાઈ ઘણાને કહેતા. રવજીભાઈના ખૂબ જૂના અનુભવી વવાણિયાના વોરા અભેચંદ તારાચંદ જે કૃપાળુદેવના મામા સસરા થતા તે ઘણા વખત પહેલાં વાત કરતા અને ગામમાં પણ કહેતા. તે વખતે મારી આટલી સમજણ હતી નહિં. પણ મારા માતુશ્રી ઝબકબાઈ તે શ્રીમદ્ભા બહેન થાય તેઓ આ વાત થોડી થોડી કરતા. બીજી ઘણી હકીકત ગામના માણસો પાસેથી મળેલ છે.
બીજા સંસ્મરણો
દેવમાતાની સેવાથી મળેલ આશીર્વાદ રવજીભાઈને ત્યાં એક આડતિયા વૃદ્ધ ઉંમરના આવતા. એક વખત તે બહુ બિમાર પડ્યા. ત્યારે દેવમાતાએ તેમની સેવા ચાકરી બહુ કરી હતી. તેમને માટે શીરો બનાવી દેવમાતાજી પોતાના હાથે તેમને શીરો ખવરાવતાં હતાં. તે બહુ અશક્ત હતા. તેમણે દેવમાને કહ્યું કે તમે મારી ચાકરી બહુ કરો છો, પ્રભુ ! તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાનો જન્મ થાવ. આ મારો, બેટા દેવ!તને આશીર્વાદ છે. આ વાત મારા માતુશ્રી કહેતાં હતાં.