________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૦૨
કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. ક્રોધ, માન, માયા, લોભ સંબંધી કહેતા પરમકૃપાળુદેવ બોલ્યા કે–આ ચારે આપણા અનાદિ
શત્રુઓ છે માટે ક્રોધાદિ ઉદયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છો. તમે અમારું બૂરું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓનો ક્ષય કરવો. ક્રોધાદિનો નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યો હતો.
હું પામર તે અપૂર્વવાણીનું શું વર્ણન કરી શકું? અનુપમ વાણી શ્રવણ કરી, અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણીવડે પ્રગટ કરવા સમર્થ નથી. કારણ કે તે ઉપદેશામૃત સાંભળતા અમે જિનપ્રતિમાવત્ સ્તબ્ધ બની ગયા હતા, અર્થાત્ એવી આત્મપરિણતી, સ્થિરતા અને આત્મવીર્યનું ઉલ્લસવું અકથ્ય હતું. હું પામર તે અપૂર્વવાણીની છાયા શું લખી શકું? જેનો એક અક્ષર પણ શ્રવણ કરનારને વીતરાગભાવના પ્રગટાવે એવી પરમ ઉપશમરૂપ વાણીના પરમદાતાએ અમારા પર દયા લાવી પરમ કલ્યાણરૂપ બોઘ કર્યો હતો, જે સાંભળી દેવકરણજી વગેરે સર્વ મુનિઓના ચિત્તમાં પરમ આનંદ થયો હતો. રસ્તે પાછાં ફરતાં દેવકરણજીએ જણાવ્યું કે હાશ! હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો અને હલકા ફૂલ જેવા કરી નાખ્યા. આમ ઉપદેશામૃતની પ્રશંસા કરતા અને બોઘભાવની વૃદ્ધિ સાથે આત્મચિંતવન કરતા આત્મોલ્લાસ દર્શાવતા હતા.
પરમ ઉપશમભાવ પ્રગટે તેવો અતૂટ ઘારાએ બોઘ આ બીજા દિવસનો બોઘ તો જેમ અષાઢ માસમાં અખંડ ઘારાએ વૃષ્ટિ થાય તેમ અતૂટ ઘારાએ પરમ ઉપશમભાવ પ્રાપ્ત થાય એવો બોઘ કરુણાસાગરે કર્યો હતો. કેટલાંક મુનિઓને આ બોઘ શ્રવણ કરવાનો પ્રથમ પ્રસંગ હોવાથી, અત્યંત પિપાસાપૂર્વક જેમ આઠ માસ પર્યત પ્રખર તાપથી તપેલી પૃથ્વી, પ્રથમ થયેલ વૃષ્ટિનું બધું જળ શોષી લે અર્થાત્ પોતામાં સમાવી લે, તેમ આ ઉપદેશામૃતને ‘ટન્ટહ’ તીવ્ર પીપાસાથી અંતઃકરણ પીઘા કરતું હતું. આ બોઘ પરમકૃપાળુદેવે વડવા મુકામે કરેલો તે વિષેની સંક્ષિપ્ત નોંઘ છે.
ત્રીજો દિવસ ગૃહવાસમાં પણ જ્ઞાની હોય એ વાત જિનાગમમાં છે ત્રીજા દિવસે સવારમાં મુનિ મોહનલાલજી વડવા ગયા તે વખતે પરમકૃપાળુદેવની મુખમુદ્રા પરમ ઉદાસીન ભાવમાં જોવામાં આવેલી. પોતે કોઈ મુમુક્ષુને પત્રના ઉત્તરો લખતા હતા. તથાપિ તેમની મન, વચન, કાયાની ચેષ્ટા દેખતાં અપૂર્વભાવ ભાસ્યો હતો. આખો પત્ર લખી રહ્યા ત્યાં સુધી મુનિ મોહનલાલજીના સામે દ્રષ્ટિ પણ કરી નહીં. જાણે એક વીતરાગ શ્રેણીમાં પોતે નિમગ્ન હતા, અને લેખિની એકઘારાએ અસ્મલિતપણે ચાલતી હતી. આમ લેખનકાર્યની પ્રવૃત્તિ છતાં અંતરદશા અલૌકિક વર્તે છે, એવું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું. પત્ર સંપૂર્ણ લખાઈ રહ્યા પછી મોહનલાલજીના સામે જોઈ પૂછવા લાગ્યા કે દીક્ષા
ક્યારે લીઘી? જન્મભૂમિનું ક્ષેત્ર કયું? વગેરે પ્રશ્નોત્તર થયા પછી પૂછ્યું કે—અમે જ્ઞાની છીએ એવો તમને નિશ્ચય છે?
મોહનલાલજી : હા, આપ જ્ઞાની છો એવો અમને નિશ્ચય છે. કૃપાળુદેવે કહ્યું : ગૃહવાસમાં જ્ઞાની હોય?