________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૯૬
અર્થ :— હે જીવો ! તમે બોધ પામો, બોઘ પામો, મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે એમ સમજો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે એમ જાણો. અને પોતપોતાના ઉપાર્જિત કર્મો વડે ઇચ્છા નથી છતાં પણ જન્મમરણાદિ દુઃખોનો અનુભવ કર્યાં કરે છે તેનો વિચાર કરો.
‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે'
થોડા દિવસ પછી ‘શ્રી સમાધિશતક' માંથી સત્તર ગાથા મને કૃપાળુદેવે વાંચી સંભળાવી અને તે પુસ્તક મને વાંચવા, વિચારવા આપ્યું. ત્યારે મને એમ સમજાયું કે બહિરાત્મપણું છોડી, અંતરાત્મ થઈ પરમાત્માને ભજો તો એક માસમાં પરમાત્મપ્રદીપ પ્રગટ થાય. તે પુસ્તક લઈ દાદરા સુધી ગયો એટલે પાછો બોલાવી ‘સમાધિશતક'ના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ મંત્રરૂપે લીટી લખી આપી – “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’
થોડા દિવસ પછી મને પૂછ્યું કે—સમાધિશતક વાંચો, વિચારો છો? ત્યારે મેં જણાવ્યું કે અત્રે હાલ આપનો બોઘ સાંભળી, પછી નિવૃત્તિ ક્ષેત્રે વાંચીશ-વિચારીશ, હાલ નિવૃત્તિની અનુકૂળતા ન હોવાથી,
પછી વાંચવા વિચાર છે.
આજે આ પ્રસંગે વિચાર આવે છે કે - જો તે જ વખતે તે પ્રત્યક્ષ આશ્રયમાં તેનું વાચન-વિચારવાનું કર્યું હોત તો અપૂર્વ લાભ થાત.
આત્મભાવમાં નિરંતર રહેવા માટે બોધની જરૂર
એક દિવસે મેં કૃપાળુદેવને આ બધું મને ગમતું નથી. એક આત્મભાવનામાં નિરંતર રહું એવું ક્યારે થશે? ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું : “બોધની જરૂર છે.” તેથી મેં કહ્યું કે “બોધ આપો.” આ વખતે પોતે મૌન રહ્યા.
વારંવાર કૃપાળુદેવ મૌનપણાનો બોધ આપતા અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી મેં મુંબઈ ચોમાસું પૂરું કરી સુરત તરફ વિહાર કર્યો. ત્યારથી મૌનવ્રત ત્રણ વર્ષ પર્યંત ધારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા પરમકૃપાળુદેવ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. મુંબઈની ઘમાલમાં 'સમાધિશતક' વાંચવાનું મેં મુલતવી રાખ્યું હતું તે સુરત તરફના વિકારમાં વાંચવા-વિચારવાની શરૂઆત કરી; તેથી અંતરમાં મને અપૂર્વ શાંતિ વેદાતી હતી. આ મૌનવ્રત મેં લીધેલું તે સંબંધી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પત્ર દ્વારા જણાવ્યું, તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે તે કાર્ય શ્રેય કર્યું છે.
(૩)
મુનિશ્રી દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા
સંવત્ ૧૯૫૦નું ચાતુર્માસ સુરત ક્ષેત્રે નિર્ણીત થયું હતું. શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રનો એટલો બધો અભિનિવેશ હતો કે તે મને વારંવાર કહેતા કે પૂજ્યશ્રી (શ્રીમદ્) સૂત્રોથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રો તો મેં વાંચ્યાં છે, અર્થાત્ હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા કૃપાળુદેવે તેમને યોગવાસિષ્ઠાદિ વેદાંતના શાસ્ત્રો વાંચવા આપ્યા હતાં. સુરતમાં શ્રી દેવકરણજી વેદાંતના ગ્રંથો વાંચતા