________________
શ્રીમદ્ અને જગજીવનદાસ
ગંજીફાના ખેલની અનેક બાજુ આશ્ચર્ય થઈએ તેવી રીતે, પાનું ઘારેલ કાઢી આપતા, બાકી હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દેતા.
ગણિતના અનેક કોયડા, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણાકાર, ભાગાકાર જે લખીને કરતાં દશ મિનિટ લાગે તેના જવાબ એક મિનિટમાં આપતા. દશ હજાર ને લાખ સુધી અંકના ચાર કે પાંચ લીટીના સરવાળા વિસ્મય પામીએ તેવી ત્વરાથી મોઢે ગણી આપતા.
કોઈ પ્રસંગ ઉપર અમારામાંનો કોઈ વાત કરવાની શરૂઆત કરે ત્યારે, તેના મનનો હેતુ શું છે તે કહી આપતા. કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિદ્ધ થતો.
કૃપાળુ દેવના જ્યોતિષજ્ઞાને કરજદારમાંથી વીસ લાખના આસામી બન્યા
જ્યોતિષનું જ્ઞાન ત્યારથી જ તેમનું ચમત્કારિક હતું. નષ્ટ ગ્રહ એટલે એક માણસને જોઈને તેની જન્મકુંડળી બનાવી શકતા. મારા પોતા માટે તેમજ કોઈ પ્રસંગે તેમના પોતા માટે જ્યોતિષનાં ફળ, ભૂત અને ભવિષ્યના એવાં બતાવ્યા છે કે હું અજબ થાઉં છું. તે વાતો તેમની સોળ-સત્તર અને મારી વીસ વરસની વય સમયની, રમૂજ અને બાળચેષ્ટાની હતી. ખુદ ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા અને વેપારમાં પડવા તેમને સ્વપ્ન પણ વૃત્તિ ન હતી, અને તે વખતે સહેજ કરજવાન હતા. તેમની કુંડળી જોઈને તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાનો યોગ છે, એમ જણાવી વકીલાત છોડી મુંબઈ જવા પ્રેરણા કરી. આજે તેઓ વીસ લાખના આસામી ગણાય છે. અવઘાનની શરૂઆત ત્યારથી જ કરેલી, શરૂઆતના અષ્ટાવઘાન તેઓ અત્યંત સરળતાથી કરતા.
શાંતિમય ભવ્ય મુખમુદ્રા અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિ તેઓશ્રી મુંબઈ ગયા પછી કોઈક વાર મને દર્શનલાભ થતો. તે દરમ્યાન તેમની ઊર્ધ્વ ગતિ તેમની શાંતિમય ભવ્ય મુખમુદ્રામાં સામાન્ય માણસ પણ જોઈ શકે તેવી દ્રષ્ટિગોચર થતી. હું મળતો ત્યારે જે પ્રેમ અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિથી તેઓશ્રી નિહાળતા તે હજુ હું વીસરી શકતો નથી.
આત્મા છે તે ઠસાવતા અને મૂર્તિપૂજા એક જરૂરનું સાધન તેઓ માનતા.
ગમે તે ઘર્મમાં રહો છતાં આત્મા છે એ પ્રતીતિ મહેનત કરીને પણ મનુષ્ય કરવા યોગ્ય છે. આત્મા છે તે ઠસાવવા અનેક યુક્તિઓ તેઓ બતાવતા અને મૂર્તિપૂજા એક ભણવાની પેઠે જરૂરનું સાધન છે એમ તેઓ માનતા.
તા.૨૩-૮-૨૩
શ્રી જગજીવનદાસ
મોરબી મોક્ષમાળા વગેરે વાંચે પણ ઘરમાં ધ્યાન ઓછું શ્રી જગજીવનભાઈ જણાવે છે કે–શ્રી ત્રિભોવનભાઈ વીરચંદ મોરબીની નિશાળમાં નોકરી કરતા હતા. તેમને શ્રી ઘારશીભાઈનો સમાગમ થયો. તેમણે જણાવેલું કે મારી સાથે આવો તો એક પુરુષને મળવા જેવું છે. ત્યારે ત્રિભોવનભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા. અડઘો કલાક ચૂપ બેસી રહેલા.