________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૭૬
શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા
મોરબી મોક્ષગામી મહાત્મા માટે હું શું વિશેષ કહી શકું શ્રીમદ્ રાજચંદ્રજી સાથે થોડો પરિચય મને તેમની બાલ્યાવસ્થામાં થયેલ, તે સમયે તેમનાં ગુણશક્તિ વિષે જે કાંઈ જોવામાં આવ્યું તેની ટૂંક નોંઘ આપવા પ્રયત્ન કરું છું. છતાં આત્મસાક્ષાત્કાર કરી મોક્ષગામી થવા માટે જ જન્મ ઘરનાર મહાત્મા માટે તે પ્રયત્ન નિષ્ફળ નીવડે તો તેમાં આશ્ચર્ય કશું નથી.
સંવત ૧૯૩૮ના અરસામાં તેઓશ્રીને અહીંના મરહૂમ મહેતા હરિભાઈ ભાઈચંદ અહીં લાવ્યા હતા. તેમની કવિત્વશક્તિ અને બુદ્ધિમતાને લઈને અમારા સ્નેહીમંડળમાં તેઓને ભેળવ્યા. મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ તથા ઝવેરી રેવાશંકરભાઈ હતા.
નાસ્તિકવાદીને મોક્ષમાર્ગની અડગ શ્રદ્ધા કરાવી હું પોતે આસ્તિક કુળમાં જન્મ્યો હતો, અને બાલ્યાવસ્થામાં તે સંસ્કાર મારામાં હતા, છતાં અંગ્રેજી અભ્યાસને પરિણામે હું નાસ્તિકવાદી થઈ પુનર્જન્મને માનતો નહીં. તે સ્થિતિમાં મને આસ્તિક બનાવવામાં મુખ્ય હિસ્સો તેમનો જ છે. ખાસ કરીને તેઓ દ્રષ્ટાંત આપતા કે સાથે ફરનારા પૈકી અમુક વ્યક્તિ ગણિતમાં, અમુક સાહિત્યમાં, અમુક તર્કમાં, અમુક ઘર્મમાં વિશિષ્ટતા બતાવે છે, તેમાં પૂર્વના સંસ્કારનું કારણ હોય છે, અને તે પ્રત્યક્ષ અનુભવ માટે આપણા સહુમાં હરિભાઈ અને હું પોતે ગણિતના વિષયમાં વિશેષ ત્વરાથી કાર્ય કરી શકીએ છીએ તેનું વૈજ્ઞાનિક રીતે કારણ બતાવો. આવી ચર્ચા નિરંતર થતી. તેમાં પ્રશ્નકર્તાનું કાર્ય મારા ઉપર જ રહેતું. પરિણામે મને મોક્ષમાર્ગની અડગ શ્રદ્ધા થઈ છે.
તે સમયે તેમની અદ્ભુત વિવિઘ શક્તિઓના અનેક દ્રષ્ટાંતો અમને અનુભવાતાં, તે સર્વ આટલે વર્ષે યાદ નથી રહ્યા, માત્ર પ્રસંગોપાત્ત ચર્ચા થતાં કેટલાંક તાજાં થયા છે તે અહીં વર્ણવું છું -
મીઠું ઓછું વજુ ચાખ્યા વગર જોઈને કહી દીધું રસોઈમાં મીઠું થોડું, ઘણું અથવા મુદ્દલ નહીં હોય તે માત્ર નજરે જોઈને તેઓ કહી શકતા હતા, રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. અમે સૌ ગંજીફે રમતા હતા, તેમાંથી હું જાદો પડી રસોઈયા પાસે ગયો, અને રેવાશંકરભાઈએ ખાસ કહેવરાવ્યું છે એમ જણાવી–દાળમાં હંમેશ મુજબ મીઠું, ઢોકળી-ચણાનું શાક કરેલ તેમાં માત્ર હળદર નાખી મીઠું મુદ્દલ નહીં નાખવું અને એક લીલોતરી શાકમાં વધારે નાખવું, એમ વરદી આપી. રસોઈયો ભદ્રિક હતો. એણે તે પ્રમાણે કર્યું. બઘા જમવા બેઠા. થાળીઓ પીરસાઈ તે સામે થોડી વાર જોઈ, મારા સામે દ્રષ્ટિપાત કરી હસ્યા અને મને કહ્યું—પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું અને લીલોતરીનું વધું મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ ચાખ્યું. તે પ્રમાણે ખરું હોવાથી રસોઈયાને વઢવા લાગ્યા, ત્યારે મેં મારી પ્રવૃત્તિ જણાવી સૌને હસાવ્યા.
આત્માની અદભુત શક્તિથી અનેક કાર્યો કરી બતાવતા એકવાર એક માણસને જોયા પછી ગમે તેટલો વખત વીત્યા બાદ, તે હાજર ન હોય છતાં તેની પાઘડીનો વળ ડાબો છે કે જમણો તે ભૂલ અને અપવાદ વગર કહી દેતા.