________________
બૃહદ્ આલોચના
રૌદ્રધ્યાનને મૂકી ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ધ્યાવો દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦ અર્થ :– ધ્યાનનો બીજો પ્રકાર તે રૌદ્રધ્યાન છે. પાપ કરીને રાજી થવું તે રૌદ્રધ્યાન છે. તે પાપરૂપ છે. તે બિલકુલ ચિંતન કરવા યોગ્ય નથી. તેનાથી ઘણા દોષો ઉત્પન્ન થઈ જીવને ભારે કર્મનો બંધ થાય છે. આ રૌદ્રધ્યાન મોટાભાગે જીવને નરકગતિમાં લઈ જાય છે. તેના ચાર ભેદ છે. મોક્ષમાળા વિવેચનના આધારે નીચે પ્રમાણે છેઃ—
(૧) હિંસાનંદી, (૨) મૃષાનંદી (૩) ચૌર્યાનંદી અને (૪) પરિગ્રહાનંદી, અર્થાત્ હિંસા કરીને, જૂઠ બોલીને, ચોરી કરીને કે પરિગ્રહ ભેગો કરીને રાજી થવું તે. આના ત્રણ ભેદ સમજાય છે પણ પરિગ્રહ ભેગો કરીને રાજી થવું તે રૌદ્રધ્યાન છે, એ વાત જીવથી સહેજે મનાતી નથી. પરિગ્રહ મેળવીને આનંદ માને તે જીવ નરકે જાય એમ મહાપુરુષોનો બોઘ છે. માટે બીજું રૌદ્રધ્યાન તે સર્વથા ત્યાજ્ય છે.
૩૯
ત્રીજું ધર્મધ્યાન અને ચોથું શુક્લ ધ્યાન છે. તે બેય શ્રેષ્ઠ ધ્યાન હોવાથી, તેમાં મનને રાખી પરમ સંતોષભાવે જીવન જીવવા યોગ્ય છે.
ભગવંતની આજ્ઞા સદૈવ આર્ટ, રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાનમાં રહેવાની છે. શુદ્ધના લક્ષે શુભભાવરૂપ પરિણામ તે ધર્મધ્યાન છે. એથી ઉત્તમ ગતિ અને પરિણામે જીવનો મોક્ષ થાય છે. એ ધર્મધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. (૧) આજ્ઞાવિચય ધર્મધ્યાન–ભગવાનની જે આજ્ઞા હોય તેનો વિચય એટલે વિચાર કરવો તે. (૨) અપાયવિચય ધર્મધ્યાનઅપાય એટલે દુઃખ. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિભાવોથી જીવને જે દુઃખ થાય છે તેનો વિચાર કરવો તે. (૩) વિપાકવિચય ધર્મથ્યાન—વિપાક એટલે ફળ. શુભ અશુભ કર્મના ફળનો વિચાર કરવો તે. (૪) સંસ્થાનવિચય ધર્મધ્યાન—સંસ્થાન એટલે રચના. ત્રણલોકની રચના સંબંધીનો વિચાર કરવો તે.
હવે ઘર્મધ્યાનનો વિસ્તાર કરીએ તો તેના કુલ્લે ૧૬ ભેદ થાય છે.
બૃહદ્ આલોચના તેમાં ધર્મધ્યાનનાં ચાર લક્ષણ આ પ્રમાણે છે. (૧) આજ્ઞારુચિ (૨) નિસર્ગ રુચિ (૩) સૂત્રરુચિ (૪) ઉપદેશરુચિ.
(૧) આજ્ઞારુચિ—ભગવાનની આજ્ઞા ઉપાસવાની રુચિ ઉત્પન્ન થવી તે. (૨) નિસર્ગરુચિ - એટલે જાતિસ્મરણજ્ઞાન આદિ વડે કરીને ચારિત્રધર્મ ધરવાની સ્વાભાવિક રુચિ ઊપજવી તે.
૪૦
(૩) સૂત્રરુચિ - એટલે ભગવંત ઉપદિષ્ટ શાસ્ત્રોનું શ્રવણ, મનન કરવાની ભાવથી રુચિ જાગવી તે. અને
(૪) ઉપદેશરુચિ - એટલે સર્વકર્મ ખપાવવા માટે તીર્થંકર કે જ્ઞાનીપુરુષનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉત્પન્ન થવી તે.
હવે ધર્મધ્યાનના ચાર આલંબન કહેવાય છે. (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તના અને (૪) ધર્મકથા
(૧) વાચના - એટલે ગુરુ કે સત્પુરુષ પાસે નવું શીખવા માટે વિનયપૂર્વક પાઠ લઈએ તે વાચનાલંબન.
(૨) પૃચ્છના - એટલે શંકા નિવારવા માટે વિનયસહિત પ્રશ્ન પૂછવો તે. (૩) પરાવર્તના - એટલે શીખેલું ભૂલી ન જવાય તે માટે તેનો વારંવાર સ્વાધ્યાય કરવો તે પરાવર્તનાલંબન.
(૪) ધર્મકથા - એટલે વીતરાગ ભગવંતે કહેલ તત્ત્વની શ્રદ્ધા કરીને સભામર્થ્ય તે તત્ત્વનો ભાવ જણાવવો તે ધર્મકથાલંબન.
હવે ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે તે નીચે પ્રમાણે :
(૧) એકત્વાનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા.
(૧) એકત્વાનુપ્રેક્ષા - મારો આત્મા એકલો છે. હું એકલો આવ્યો, એકલો જઈશ, મારા કર્મ હું એકલો જ ભોગવીશ આદિ ચિંતવવું તે.
(૨) અનિત્યાનુપ્રેક્ષા - શરીર, કુટુંબ, લક્ષ્મી આદિ સર્વ નાશ પામવાના છે; પણ મારો આત્મા અવિનાશી છે એમ વિચારવું તે.
(૩) અશરણાનુપ્રેક્ષા - મરણ સમયે કોઈ બચાવી શકનાર નથી. માત્ર એક ધર્મ જ જીવને ચાર ગતિના દુઃખથી બચાવનાર છે એમ ચિંતવવું તે.