________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ શ્રી સશુરુભક્તિરહસ્ય (ભક્તિના વીસ દોહરા) તત ૐ સત્ સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. 1 અર્થ - હે (દીન, રંક દાસીના પ્રભુ) દીનાનાથ, દયા એજ જેનો સ્વભાવ છે એવા દયાળુ પ્રભુ! હું શું કહ્યું? શી પ્રાર્થના-સ્તુતિ કરું? હે પ્રભુ! હે પ્રભુ! એટલું ઉચ્ચારીને જ અટકી પડું છું; કારણ કે હું તો અનંત દોષને રહેવાનું ઠેકાણું-ઘર છું. અને આપ તો કરુણાવંત-કૃપાનાથ છો! ભાવાર્થ - “નાથ કૈસો ગજ કો બંઘ છુરાયો, ગજ ઔર ગ્રાહ બરત જલ ભીતર; ભરત ભરત ગજ હાર્યો નાથ કેસો ગજ કો બંઘ છુરાયો.” મનરૂપી હાથી, સંસાર સરોવરમાં જલક્રીડા કરવા જતાં, કર્મબંઘરૂપી મગરે તેનો પગ પકડી રાખ્યો અને ઊંડા જળમાં ખેંચી ગયો. ત્યાં ડૂબતાં ડૂબતાં સરોવરમાંથી કમળ ચૂંટી કમળાપતિને (સહજ, અમલ, અનૂપ, શુદ્ધ ચેતનાના સ્વામીને) ઊંચી સૂંઢ કરી અર્પતાં, પ્રાર્થના મરણ વખતે કરે છે, તેમ ભવભ્રમણથી થાકેલો આત્મા કોઈ પુરુષના યોગે સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળો, સમ્યકત્વ અભિમુખ થયેલો નિકટ ભવી મુમુક્ષુ પરમાત્માની ભક્તિ કરતાં કહે છે કે હે પ્રભુ! હે પ્રભુ! આ મરણ ઊભા કરે એવી સંસારની અનેક ક્રિયામાં રચ્યોપચ્યો હું, આપની સન્મુખ આવીને ઊભો રહેવાને પણ લાયક નથી. હું શું જાણું છું કે તમારી સ્તુતિ કરું ? મારી યોગ્યતા ક્યાં છે? હું તો અનંત દોષથી ભરેલો છું. ડૂબતો માણસ કંઈ ભાષણ કરીને, લાંબા વખાણ કરીને કે વિનયપૂર્વક વિનંતી કરીને બચાવનારને બોલાવવા ન જાય તે તો દોડો! કોઈ દોડો! એવા ટૂંકા શબ્દો જ બોલે. તેમ મુમુક્ષુ આ વીસ દોહરાની શરૂઆતમાં માત્ર પ્રભુના નામનો જ ઉદ્ગાર કાઢે છે. ફરી એનો એ જ હે પ્રભુ! ઉદ્ગાર કાઢે છે અને કહે છે કે હું શું કહું? પણ તમે રાંકમાં રાંક દાસીને પણ શરણ આપનાર છો! અનાથના નાથ છો; તેથી મારામાં અનંત, મારાથી ગણ્યા ન જાય, જાણ્યા ન જાય છતાં તમે અનંતજ્ઞાની હોવાથી જાણો છો, તેટલા બધા દોષથી હું ભરેલો છું - બધા દોષો મારામાં વસ્યા છે અને આપ અનંત ગુણના ઘામ છો, કરુણાળ છો - અમારી દયા ખાઓ છો તેથી તમારી આગળ આટલુંય બોલાય છે. નહિ તો તમારા ગુણ ગાવા માટે તો કેવા કેવા ભાવ જોઈએ? તે જણાવે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમ સ્વરૂપ. 2 453