________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ ચંચળતા મારામાં છે તે મટીને મેરુપર્વત જેવી અચળ પ્રેમભક્તિ, ચોંટ મારામાં ક્યારે આવશે? અને તે અચળ પરમાત્મસ્વરૂપનો વિરહ પણ મને સાલતો નથી. અને હે પ્રભુ! તારા પ્રત્યેના પ્રેમની કથા પણ કાનમાં પડતી નથી; આ કાળમાં એ પ્રેમ કથા કરનાર અને સાંભળનાર દુર્લભ થઈ પડ્યા છે. તેનો પણ મનમાં કંઈ સંતાપ, ખેદ રહેતો નથી; તો યોગ્યતા ક્યાંથી આવશે? ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 અર્થ - જ્ઞાન અને ચારિત્રને મોક્ષદાયી બનાવનાર ભક્તિ તેનો માર્ગ મને મળ્યો નથી. અને ભક્તિમાર્ગ પ્રાપ્ત થાય તેવી યોગ્યતા મેળવવા ભજન અથવા સપુરુષના ગુણગ્રામ ગાવા, ગુણ ચિંતવન કરવા યોગ્ય છે પણ પુરુષના ગુણોનું ભાન મને દ્રઢ થયું નથી. કારણ કે મને આત્મઘર્મની સમજ પ્રાપ્ત થઈ નથી અને જ્યાં તેવી સમજ પ્રાપ્ત થાય તેવાં શુભ સ્થળોમાં સ્થિરતા કરીને રહેવાનું મારાથી બનતું નથી. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 અર્થ - કળિકાળને લઈને જીવને સત્પરુષનો યોગ બનવો, સપુરુષનું ઓળખાણ પડવું, બોઘ મળવો, સરળ સ્વભાવ, મુમુક્ષતા, અનુકૂળતા, આજ્ઞાંકિતપણું, મધ્યસ્થપણું, જિતેન્દ્રિયપણું આદિ યોગ મળવા દુર્લભ છે. શાસ્ત્રવિચ્છેદ, મતિની મંદતા, મિથ્યાગ્રહ, અસત્સંગ આદિ દોષો આ કાળમાં પ્રગટ વર્તે છે. તો પણ તે બઘાથી બચી શકાય તેવું સુરક્ષિત સ્થળ જે સત્પરુષના ચરણકમળ, તેની મર્યાદામાં, સમીપમાં વસવું, (સમ્યકત્વ-પંદર ભવની ઉત્કૃષ્ટ સંસાર મર્યાદા કરનાર ઘર્મ) તથા આજ્ઞાએ વર્તવું તે આજ્ઞારૂપ મર્યાદા ઘર્મ કે સત્સંગમાં વિઘ્ન કરનાર પરિગ્રહ આદિની મર્યાદા કે નિયમરૂપ ઘર્મ પણ હું પાળી શકતો નથી. તો પણ મારી શી વલે થશે એવા વિચારે આકુળ-વ્યાકુળતા પ્રગટતી નથી. એવા ભારે કર્મ આ કળિકાળમાં મારો અવતાર થયો છે, તે હે પ્રભુ! આપ જુઓ છો. સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં; કરે બાહ્ય પર રાગ. 10 અર્થ - સત્પરુષની આજ્ઞા ઉઠાવવારૂપ સેવામાં વિઘ્ન કરનાર જે બંઘન (લોકસંબંઘી બંઘન, સ્વજન - કુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પ - વિકલ્પરૂપ બંઘન) તેનો મારાથી ત્યાગ બનતો નથી. તથા દેહ અને ઇન્દ્રિયો, બાહ્ય પદાર્થો પ્રત્યે પ્રીતિ વધારનારાં છે તેને દમવાં જોઈએ, વશ કરવા, જીતવા જોઈએ તે પણ મારાથી બનતું નથી. 449