________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ થયું તેનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ આ પશ્ચાત્તાપ નકામો હતો. પાણી પીને હું તો ઘર પૂછવા જેવું થયું, કપિલા તેને મુકે તેમ નહોતી. મોહાંધ મનુષ્યને કર્તવ્યાકર્તવ્યનો વિવેક હોતો નથી. કપિલા સુદર્શનને વળગી પડી. તાત્કાલિક બુદ્ધિવાળા સુદર્શને ખુલ્લા હૃદયથી દિલગીર થઈ જવાબ આપ્યો, કપિલા! તમારું કહેવું હું માન્ય રાખી શકતો નથી કારણ કે વિધાતાએ મારા સુંદર રૂપ સાથે નપુંસકપણાનો દોષ સાથે જ દાખલ કર્યો છે, અર્થાત્ હું નપુંસક છું. દ્રઢ હૃદયવાળા મનુષ્યોના હૃદયમાં ઇચ્છા સિવાય વિકૃતિ થતી નથી. કપિલા વિલખી થઈ ગઈ અને તત્કાળ સુદર્શનને જવા માટે દ્વાર ખોલી આપ્યું. સુદર્શન ઘેર આવ્યો અને હવેથી સાથે સહાયક લીઘા સિવાય કોઈને ઘેર વગર પ્રસંગે ન જવું તેવો નિર્ણય કર્યો. ઇંદ્ર મહોચ્છવનો દિવસ હતો. સારાં સારાં વસ્ત્રાભૂષણો પહેરી સર્વ લોકો બહાર જતાં હતા. અભયા રાણી પણ કપિલા પુરોહિતની સાથે રથમાં બેસી ફરવા નીકળી. તેવામાં આજુબાજુ દેવકુમાર જેવા છ પુત્રોથી ઘેરાયેલી એક સ્ત્રીને કપિલાએ જોઈ અભયાને પૂછે છે, બાઈ સાહેબ! આ ભાગ્યવાન સ્ત્રી કોણ છે ? અભયાએ જવાબ આપ્યો. આપણા નગરના પ્રખ્યાત ઘર્મિષ્ઠ શેઠ સુદર્શનની આ સ્ત્રી છે અને આ છએ પુત્રો તેના છે. કપિલા હસીને બોલી બાઈ સાહેબ! તેને પુત્રો ક્યાંથી હોય? રાણીએ જવાબ આપ્યો કપિલા આ શું બોલે છે? પુરુષોવાળી સ્ત્રીને પુત્રો ન હોય ત્યારે કોને હોય? કપિલાએ જવાબ આપ્યો, તેનો સ્વામી પુરુષાર્થ રહિત છે. આ પ્રમાણે કહી પોતાનો સર્વ વૃત્તાંત રાણીને જણાવ્યો. અભયા હસીને બોલી, અરે મુગ્ધા! સુદર્શને તને ઠગી છે. તે પર સ્ત્રી તરફ નપુંસક છે પણ સ્વસ્ત્રી તરફ નપુંસક નથી. - કપિલા જરા મોઢું ચઢાવીને બોલી, ઠીક છે, હું તો મુગ્ધા છું અને મને ઠગી છે, પણ તમે તો ચતુર છો ને! અભયા બોલી, મારા હાથના સ્પર્શથી તો પત્થર પણ ગળી જાય તો પુરુષની તો વાત જ શી કરવી? કપિલાએ કહ્યું આટલો બધો ગર્વ રાખો છો ત્યારે હવે તમે સુદર્શન સાથે વિલાસ કરશો જ. માનના આવેશમાં આવી જઈ અભયાએ પ્રતિજ્ઞા કરી કે જો સુદર્શન સાથે વિલાસ ન કરું તો અગ્નિમાં પ્રવેશ કરી બળી મરું. ખરેખર અજ્ઞાની મનુષ્યોને માન ક્યાં કરવું તેની પણ ખબર પડતી નથી. તેથીજ પોતાની મર્યાદા અને ઘર્મને ઓળંગી રાણીએ અનર્થકારી પ્રતિજ્ઞા કરી. મહોત્સવમાં ફરી સર્વ કોઈ પોતપોતાને ઠેકાણે ગયા.. અભયાના હૃદયમાં ચિંતા અગ્નિ સળગવા લાગ્યો. શાંત કરવા માટે પોતાની ઘાવ માતા પંડિતાને બોલાવી પોતાની પ્રતિજ્ઞા જણાવી. પંડિતાએ પ્રતિજ્ઞા માટે ઠપકો આપ્યો અને કહ્યું કે આ પ્રતિજ્ઞા તેં ઠીક નથી કરી, કેમકે સાઘારણ જૈનીઓ પણ પરસ્ત્રી સાથે સહોદર તુલ્ય વૃત્તિ રાખે છે તો આ તો ઘર્મ ઘુરંધર સુદર્શનના સંબંધમાં કહેવું જ શું? અભયાએ જણાવ્યું કે તે હું જાણું છું પણ હવે થઈ તે થઈ, માટે કોઈ ઉપાય કરો કે જેથી મારી પ્રતિજ્ઞા સફળ થાય. પંડિતાએ તપાસ કરી જણાવ્યું કે આઠમ ચૌદશ સુદર્શન પોસહ કરી રાત્રે સૂના ઘરમાં કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહે છે. તે રાત્રે તેને અહીં ઉપાડી લાવવો. 435