________________ આજ્ઞાભક્તિ અર્પણ કરનાર છે, તે સહજાત્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતનો આઘાર છે. “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ! આપે અભયપદ આપ્યું છે. એ ભાવ દૃઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષોભ થવો ઘટતો નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જો મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તો તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવા બીજાં દુઃખ તો નજીવો છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ સહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા યોગ્ય છે. બીજાં, સત્ અસને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એવો આ મહામંત્ર બીજું સત્ય મહાવ્રત તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઈ હોય તે સત્યમૂર્તિ કહેવા યોગ્ય છે. જેટલું આ સહજાત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠેજૂઠું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ! આ આત્મઘાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકનો ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે. ત્રીજું મહાવ્રત અચોર્યવ્રત કે અસ્તેયવ્રત તે પણ આ મહામંત્રની સહાય હોય તો જ પળાયા તેમ છે. કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પોતાના માનવા એ ચોરી અને જૂઠ બન્નેના અપરાઘ કરતા પણ ઘણો ભારે અપરાઘ છે. હે પ્રભુ! આ દેહ તે સર્વ દોષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પોષવા જે જે કર્યું તે બધું ચોરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હોવાથી ઓકી કાઢવી જ પડશે, ચોરીનો માલ કોઈને પચે જ નહીં. લૂંટારા અને ચોરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પોતાનો પટો પહેરાવે છે એટલે તે શાહુકારનો નોકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કોઈ ચોરીનો આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારનો પટો છે; તેમ હે પ્રભુ! આપનો મહામંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” તે અમારા મુખમાં જીભના ચામડા પર ચોંટ્યો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને શરણે આવતાં, એ નામના-મંત્રના માહાભ્યથી જ ચોર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણાવા યોગ્ય છે. તું જ સાચો શાહુકાર છે પણ “શાહે વાણિયો રળી ખાય’ તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચોથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની. તે પણ બ્રહ્મનું માહાભ્ય સમજાવનાર શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમગુરુના લક્ષથી સઘાય છે. બ્રહ્મ મહ–બૃહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા 378