________________ આજ્ઞાભક્તિ ન થાય તેનો લક્ષ રાખવો. આત્માને ન ભૂલાય એટલા માટે આ કરવાનું છે. અંતરદૃષ્ટિ થાય તે માટે કરવાનું છે. જૂનું બો.૧ (પૃ.૨૬૫) રાત્રે સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારવાં “પહેલે પ્રાણાતિપાત-આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રકૃતિ મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે 84 લાખ જીવાજોનિનો પાઠ છે તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય જીવોની યોનિ કહી છે તેમાંથી કોઈ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કિંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું? એવી રીતે અપકાય એટલે સચિત પાણી વગર પ્રયોજન ઢોળ્યું છે? પાણી વાપરતાં આ કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેવી પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે? પ્રત્યેક વનસ્પતિ, સાઘારણ વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિ મનુષ્ય સુઘીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. બીજું મૃષાવાદ–જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. ત્રીજું ચોરી - કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે ? અનુમોડ્યું છે? તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન–મનવચનકાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પાંચમું પરિગ્રહ લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વઘારે મૂર્છા કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ઘન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? છઠે ક્રોઘ– કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોઘ થયો છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેરવિરોઘ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. 348