________________ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય'.... લાગે. એને જ સર્વજ્ઞ ‘તીવ્ર મુમુક્ષુતા' કહે છે. એવી પવિત્ર લગની લાગી નથી. અને સદ્ગુરુને અંતઃકરણથી પાય પણ લાગ્યો નથી. જ્યાં સુધી સ્વદોષ ન દેખે ત્યાં સુધી બધું નકામું છે. સ્વદોષ જોયા વિના કેવી રીતે કરી શકાય?” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય'. હે પ્રભુ! સંસાર દુઃખરૂપ જ છે, ક્લેશરૂપ છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે; દુઃખનો એ સમુદ્ર છે એવું મને ભાસ્યું નથી. તેથી મારાં અંતઃકરણમાં પ્રભુ પ્રભુની લય લાગતી નથી. અર્થાત્ આપના બોઘેલા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું નિશદિન રટણ થતું નથી અને ભાવ ભક્તિથી આપના ચરણકમળમાં રહેવાની ભાવના પણ જાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : જેને પ્રભુ પ્રભુની લય લાગે તે જ જન્મમરણથી છૂટે “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વઘારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી! મોહ બળવાન છે!” (વ.પૃ.૨૮૩) પરમકૃપાળુદેવને-પ્રભુ પ્રત્યે લય લાગી છે. “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) મીરાંબાઈને મન સર્વત્ર ભગવાન મીરાંબાઈ મહાભક્તિવાન હતા. વૃદાવનમાં જીવા ગોસાંઈના દર્શન કરવા તે ગયાં, ને પૂછાવ્યું કે “દર્શન કરવા આવું?” ત્યારે જીવા ગોસાંઈએ કહેવડાવ્યું કે “હું સ્ત્રીનું મોં જોતો નથી.” ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે “વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષના દર્શન કરવા નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.” " (વ.પૃ.૭૦૩) 271