________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે તો સાઘન સફળ જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંઘનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની ઘારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વઘી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે.” (વ.પૃ.૩૯૮) પાંચમા આરાના અંત સુધી જ્ઞાની કે તેમના ઉપદેશનું હોવાપણું છે “એક વખત ઉપદેશમાં આવ્યું હતું કે જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. અને તે ઉપર પોતાનું દ્રષ્ટાંત દીધું હતું કે જે સાલમાં ચિદાનંદજીનો દેહાંત થયો એ જ સાલમાં અમારા દેહનો જન્મ થયો છે. એટલે જ્ઞાનીનું પૃથ્વી ઉપર હોવાપણું છે. શ્રી મહાવીરસ્વામીનું શાસન પાંચમા આરાના અંત સુધી ચાલશે તે સમ્યકત્વને આશ્રયે ચાલશે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૫) “પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'.... સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક” તેથી હું સંસાર સાગરનો પાર પામી શક્યો નહીં, અને સાચો મોક્ષનો મૂળમાર્ગ જ તે મારા હાથમાં ન આવવાથી વિવેકનો એક અંશ પણ મારામાં ઉદય પામ્યો નહીં. વિવેક એટલે હિતાહિતનું ભાન, કૃત્યાકૃત્યનું ભાન કે પેયાપેય કે ખાદ્યાખાદ્યનું જ્ઞાન અથવા સર્વના ફળસ્વરૂપ એવો જે જડચેતન વિવેક તે હું કરી શક્યો નહીં. તેથી હું મારા શુદ્ધ આત્મસ્વરૂપને પામી ન શક્યો અને ઘોર-અપાર દુઃખમય સંસારમાં જ આજ દિવસ સુધી રઝળતો રહ્યો છું. વિવેક શબ્દના અનેક અર્થ “પ્રમાદ' શબ્દની પેઠે “વિવેક' શબ્દ વ્યવહારમાં વપરાય છે. કોઈ અતિથિ આદિની આગતાસ્વાગતામાં કુશળ હોય, બીજાનું મન સાચવીને વર્તતો હોય તો લોકો તેને વિવેકી કહે છે; એટલે વ્યવહાર કુશળતા અર્થમાં વિવેક મોટે ભાગે વપરાય છે. સારા ખોટાને પારખવામાં પણ વિવેક શબ્દ વપરાય છે; વિવેચનના અર્થમાં પણ ક્વચિત્ વપરાય છે; જેમકે “એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.” યત્નાપૂર્વક આચરણને પણ કેટલાક વિવેક કહે છે : જેમકે “ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુખ-રોગ.” -બૃહદ આલોચના 260