________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ઘન મળ્યાનો સદુપયોગ કરે તો સાથે જાય. ભોજરાજાનું દ્રષ્ટાંત - “ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી * મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો તેથી મંત્રીએ એને સમજાવવો એમ વિચારી, સિંહાસનની પાસે “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. તેથી રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે. ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દેવ (ભાગ્ય) એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે તે વખતે લક્ષ્મી પણ જતી રહેશે; રહેશે નહીં.' માટે વહેતી ગંગા હોય તેમાં હાથ ઘોઈ લેવા. પૂર્વ પુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને દાન આપવાનું છે. વિવેકપૂર્વક દાન કરે તો દાન દેનારા સુખી થાય અને દાન લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય પણ વાપરતો ન હોય એ નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.” ઓ.૧ (પૃ.૫૯૧) પૈસા સાથે નહીં આવે પણ તેના માટે કરેલું પાપ સાથે આવે “મુમુક્ષુ–તૃષ્ણા કેમ જાય? પૂજ્યશ્રી–તૃષ્ણા ખોટી છે એમ લાગી? ઉપાધિરૂપ છે એમ લાગી? મારી સાથે જે આવે એવું કરવું છે. તૃષ્ણા ઓછી કરવી હોય તેણે નિયમ કરવો જોઈએ. ઉપાધિ કોને માટે કરું છું? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તો આત્માનું કામ થાય. મારે મોક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણા ઓછી થાય. વધારે પૈસા શા માટે ઇચ્છે છે? બીજા મોટા કહે તે માટે, અને મોટાઈ માટે. હું મોટો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. મોટાઈ મૂકીને બઘા મોક્ષે ગયા છે. પહેલામાં પહેલો સત્સંગ કરવાનો છે. ભૂલવાળા રસ્તામાં ગામ નહીં આવે. પર્વત જેટલો પૈસાનો ઢગલો કરીશ તો પણ મોક્ષ નહીં આવે. હમણાં દેહ છૂટી જાય તો શું સાથે આવે? એક લાખ રૂપિયા હોય તેમાંથી એક હજાર જાય તો દુઃખી થાય, પણ નવાણું હજારથી રાજી ન થાય. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું.” -બો.૧ (પૃ.૭૯) સુખી થવું હોય તો ઉપાધિ વઘારવી નહીં “દેહ જાડો થાય તો કંઈ આત્મા જાડો થવાનો નથી. પૈસા વધારે થાય તો કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કોના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તો તે માટે કોઈ કામમાં તો આવવાના નથી.” -બો.૧ (પૃ.૨૮૦) “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” 15 242