________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
મહાપુરુષોના વચનમાં વૃત્તિ જોડી રાખવી તે પણ ભક્તિ છે
“ભક્તિ એ બહુ સારું નિમિત્ત છે. એમાં પડવાનું હોય નહીં, અહંભાવ થાય
નહીં. મુમુક્ષુ–ભક્તિ એટલે શું?
પૂજ્યશ્રી–મહાપુરુષોનાં વચનોમાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષોમાં જોડાવું તે ભક્તિ. જેમ જેમ જ્ઞાનીપુરુષની ઓળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. મહાપુરુષો પ્રત્યે જે આસક્તિ છે તે સંસારને નાશ કરવાનું કારણ છે.” (બો.૧ પૃ.૧૪૧)
પોતાનો સ્વછંદ રોકીને ભક્તિ વગેરે કરે તો સફળ થાય ભક્તિ સર્વોત્કૃષ્ટ સાધન છે. ઘણાં શાસ્ત્રો ભણે, સમજે અને તેમાંથી સાર કાઢે એવી જીવની શક્તિ નથી. કૃપાળુદેવે લખ્યું છે :
જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન;
અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” (૯૫૪) પોતે ભક્તિ વગેરે કરતો હોય અને સ્વચ્છંદ ન હોય તો સફળ થાય.” (બો.૧ પૃ.૧૦૮)
યોગ્યતા લાવી સમજીને ભક્તિ કરે તો ભોગ ઝેર જેવા લાગે “ભક્તિ કરવાથી, ગુણચિંતનથી એને ભોગ છે તે ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભોગ નથી ગમતા તેમ એને પણ થઈ જાય. વીતરાગ જે સંસારથી વિમુખ થયા છે તેમની ભક્તિ કરે તો એને પણ એવું થાય, પણ સમજીને કરે તો. ભગવાનમાં અનંત વીતરાગતા છે. જીવ જેટલી યોગ્યતા લઈને જાય તેટલી વીતરાગતા એનામાં આવે. પ્રભુશ્રીજી કહેતા કે “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.' એ પાત્રતાની ખામી છે, તે લાવવાની છે.” (બો.૧ પૃ.૬૭૫)
સાચા ભક્તિભાવે પ્રભુને ફૂલ ચઢાવે તો પાપ પણ પ્રશસ્ત થાય પ્રશ્ન- “બંઘના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભક્ત પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો.” (દેવચંદ્રજી કૃત ગતચોવીશી-૧૬) એટલે શું?
પૂજ્યશ્રી–ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કોઈ શિકારી પૂછે છે કે આ બાજુ થઈને હરણ ગયાં છે તે કઈ બાજુ ગયાં? તો પેલો પુરુષ ઊલટી બાજુ બતાવીને કહે કે આ બાજુ ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. જૂઠું બોલીએ તો પાપ છે છતાં એનો લક્ષ અહિંસાનો છે તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે તેને પાપ પણ સવળું થાય. કોઈ ફૂલ તોડતો હોય પણ એને ભક્તિ કરવી છે તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે.” (બો.૧ પૃ.૪૦૨)
૧૬૪