________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભાઈને ૨૨ પાનાનો પત્ર લખી તેમને સોંપી દઈ પોતે મનવચનકાયાના ત્રણેય યોગથી પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અર્પણ થઈ ગયા. ‘ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' તેનું ફળ તેઓ સમ્યક્દર્શન પામ્યા.
ભરત મહારાજા ભગવાન ઋષભદેવને અર્પણ થયા, તેમનું શરણ સ્વીકાર્યું. અને તેમની આજ્ઞાથી આ રાજ્ય ઋષભદેવનું છે એમ માની રાજ્ય કર્યું; તો તેઓ પણ કેવળજ્ઞાનને પામ્યા.
શ્રી રામના ભાઈ ભરતે પણ શ્રી રામની ચરણપાદુકાને સિંહાસન પર મૂકી આ રાજ્ય શ્રી રામનું છે. હું તો તેમનો સેવક છું એમ તેમને અર્પણ થઈ રાજ્ય સંભાળ્યું. તો ઉત્તમગતિને પામ્યા. એવો સર્વસ્વ અર્પણતાનો ભાવ હે પ્રભુ! મને ક્યારે આવશે?
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
ભગવાનને સર્વ સમર્પણ કર્યા વિના દેહાભિમાન મટે નહીં
“ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી.’’
(વ.પૃ.૩૦૯)
પરમકૃપાળુદેવની આજ્ઞા ભક્તિમાં આખી જિંદગી ગઈ તો અવશ્ય મોક્ષ “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (વ.પૃ.૧૯૪)
તન, મન, ધનાદિ જ્ઞાનીને અર્પણ કરવાથી મુમુક્ષુતા નિર્મળ હોય
“તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.’ (વ.પૃ.૩૧૮)
દેહાદિમાં હું પણું - મારાપણું મટાડવા અર્પણતા કરવી
“અર્પણતા જે કરવાની છે તે અહંભાવ, મમત્વભાવ તથા દેહાદિ જે પર છે, તે મટાડવા માટે કરવી. કૃપાળુદેવે પણ લખ્યું છે. અર્પણભાવ કર્યા પછી મમત્વભાવ ન રહે.
જનકે અષ્ટાવક્રને તન, મન, ધન બધું સોંપી દીધું, પછી અષ્ટાવક્રે એને કહ્યું કે તું મારા આ રાજ્યનું કામ કર. જનકરાજા ‘આ ગુરુનું રાજ્ય છે’, હું તો નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં એ ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું એમ કરી કામ કરતા તેથી અહંભાવ મમત્વભાવ થતો નહોતો. અહંભાવ, મમત્વભાવ જવો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું, રૂપાળું છે, તો ચોર કહેવાય. અર્પણ કર્યા પછી પોતાનું કંઈ ન મનાય. (બો.૧ પૃ.૫૮૯)
૧૧૪